ત્રણ ફૂટની જ હાઈટ, MBBS માં એડમિશન ન મળે… અને રિજેક્ટ કર્યો, ગણેશ બારૈયાની ડોક્ટર બનવાની સંઘર્ષપૂર્ણ કહાની

ડોક્ટર ગણેશ બારૈયાને ત્રણ ફૂટની હાઈટના કારણે એમબીબીએસમાં એડમિશન ના મળ્યું, અને ડોક્ટર બનવા માટે સંઘર્ષ શરૂ થયું. તો જોઈએ કેવી રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત આપી અને ભાવનગર સરકારી હોસ્પિટલમાં ડોક્ટર બન્યા

Written by Kiran Mehta
March 07, 2024 12:50 IST
ત્રણ ફૂટની જ હાઈટ, MBBS માં એડમિશન ન મળે… અને રિજેક્ટ કર્યો, ગણેશ બારૈયાની ડોક્ટર બનવાની સંઘર્ષપૂર્ણ કહાની
ગણેશ બારૈયાની ડોક્ટર બનવાની સંઘર્ષ ગાથા (ફોટો - એએનઆઈ)

ગણેશ બારૈયાની ડોક્ટર બનવાની સંઘર્ષપૂર્ણ કહાની : ‘મન હોય તો માળવે જવાય’… આ કહેવત ડોક્ટર ગણેશ માટે એકદમ ફીટ બેસે છે. ડો. ગણેશ બારૈયા આજે ભાવનગરમાં સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ, તેમને ડોક્ટર બનવા માટે સિસ્ટમ સામે લડત ચલાવવી પડી અને આખરે જીત થઈ અને ડોક્ટર બન્યા. તો જોઈએ તેમના ડોક્ટર બનવા પાછળની સંઘર્ષપૂર્ણ ગાથા.

ડોક્ટર ગણેશ બારૈયાને કેમ એડમિશન આપવાનો ઈનકાર કર્યો

ડોક્ટર ગણેશ બારૈયાને તેમની ત્રણ ફૂટની જ હાઈટના કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા એમબીબીએસમાં એડમિશન માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. મેડિકલ કાઉન્સિલ સમિતીએ 3 ફૂટ હાઈટના કારણે તમે ઈમરજન્સી સમયે કામગીરી સંભાળી ન શકો તેવું કહી એડમિશન આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે રિજેક્ટ થયા બાદ હાર ના માની અને સિસ્ટમ સામે પોતાના હક માટે લડાઈ લડવા મન મક્કમ કરી દીધુ.

ડોક્ટર ગણેશ બારૈયાએ મન મક્કમ રાખ્યું

ડોક્ટર ગણેશ બારૈયાએ એડમિશન રિજેક્ટ થયા બાદ હવે શું કરવું તે દિશામાં વિચારવાનું શરૂ કરી, સૌપ્રથમ ભાવનગર જિલ્લાના તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ પહોંચી પ્રિન્સીપાલ ડો. દલપત કટારીયા અને રેવાશિષ સવૈયા સહિતની સલાહ લીધી. પ્રિન્સીપાલ સહિતના સ્ટાફે ગણેશ બારૈયાની મદદ કરી અને તત્કાલીન ભાવનગર કલેક્ટર અશોક પટેલ પાસે મુલાકાત કરાવી.

કલેક્ટર અશોક પટેલ ની સલાહ બાદ ન્યાય માટે કોર્ટમાં જવાનું નક્કી કર્યું

ગણેશ બારૈયાએ કલેક્ટરને વિગતે બધી વાત સમજાવી મદદ માંગી, કલેક્ટરે તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસ્મા સાથે આ મામલે ચર્ચા કરી અને ત્યારબાદ ગણેશને ગુજરાત હાઈકોર્ટમાં કેસ મુકી ન્યાય માટે ગુહાર લગાવવાની સલાહ આપી.

હાઈકોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવી, કેસ હારી ગયા

ડોક્ટર ગણેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ સમયે મે અને મારી સાથે અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીની શેખ મુસ્તાન-વડોદરા અને નીમા માવસીયા રાજકોટ પણ અન્ય કારણોસર એડમિશનમાં રિજેક્ટ થયા, અને ન્યાય માટે સાથે જોડાયા. અમે હાઈકોર્ટમાં એમબીબીએસમાં એડમિશન માટે કેસ દાખલ કર્યો, બે મહિનામાં જ ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો અને અમે કેસ હારી ગયા.

doctor Ganesh Baraiya
ડોક્ટર ગણેશ બારૈયા (ફોટો – ઈન્સ્ટાગ્રામ)

આ પણ વાંચો – કચ્છ : પાકિસ્તાન જેલમાં બંધ પિતાને છોડાવવા પુત્રનો સંઘર્ષ

સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, ડોક્ટર બનાવાનું સપનું પૂર્ણ થયું

હાઈકોર્ટમાં કેસ હારી જતા ગણેશ નિરાશ થયા પરંતુ, પ્રિન્સિપાલ દલપતરાયે હિંમત આપી અને કલેક્ટર સાહેબે મદદ કરતા ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો ઈરાદો મક્કમ કર્યો, આખરે 2018માં સુપ્રીમ કોર્ટે ગણેશ બારૈયાના પક્ષમાં ચૂકાદો આપ્યો અને મેડિકલ કાઉન્સિલને આદેશ કર્યો કે, કુદરતે આપેલી 3 ફૂટ હાઈટના પગલે તેમને એડમિશનથી વંચિત ના રાખી શકાય. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સમયે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, જેથી 2019માં આખરે ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મળ્યું અને ડોક્ટર બનવાની જર્ની શરૂ થઈ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ