વેરાવળના પ્રખ્યાત ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં લગભગ 3 મહિના બાદ આખરે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપઘાતના આ કેસમાં સાસંદના પિતા નારણ ચુડાસમા વિરદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અતુલ ચગ આત્મહત્યા કેસમાં ઇન્ડિયન પિનલ કોડ 306, 114, 506(2) હેઠળ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે. સાસંદ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ મૃતક અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા દાખલ કરવામાં આવી છે.
3 મહિના બાદ ફરિયાદ દાખલ
વેરાવળના પ્રખયાત ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરતા ચકચારી મચી હતી. પોલીસને ડોક્ટરના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં નારણ ચુડાસમા અને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો. આત્મહત્યા કરવાની પહેલા ડોક્ટરે આ સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, હું નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આત્મહત્યા કરી રહ્યો છું. આ સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હતી.
3 કરોડ રૂપિયાની લેતીદેતીનો મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાએ ડોક્ટર અતુલ ચગ પાસેથી બેથી ત્રણ કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. જો કે ત્યારબાદ પરત ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોક્ટરે સાંસદના પિતા પાસેથી આ રૂપિયા પરત માંગતા તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રનું અપહરણ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું મૃતકના ફરિયાદ પુત્રે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.