scorecardresearch

‘સેવા’ સંસ્થાના સ્થાપક અને પદ્મભૂષણથી સમ્માનિત ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

Ela Bhatt passes away :- ઇલા બેન ભટ્ટને (Ela Bhatt) સામાજીક ક્ષેત્રે અને મહિલા સશક્તિકણ માટે મહત્વપૂર્ણ કામગીરી બદલ પદ્મશ્રી-પદ્મભૂષણ, રોમન મેગ્સેસ એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

‘સેવા’ સંસ્થાના સ્થાપક અને પદ્મભૂષણથી સમ્માનિત ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

પ્રખર ગાંધીવાદી અને મહિલા સશક્તિકરણ માટે ‘સેવા’ સંસ્થાની સ્થાપના કરનાર ઇલા બેન ભટ્ટનું અમદાવાદમાં નિધન થયુ છે. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી તેમની તંદુરસ્તી સારી રહેતી ન હતી. નાદુરસ્ત તબિયતને કારણ જ તેમણે ચાલુ વર્ષે જ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદેથી રાજીનામું આપ્યુ હતુ. ઈલા રમેશ ભટ્ટ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિત્વ હતા.

જન્મ અને અભ્યાસ :-

ઈલા બેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર, 1933ના રોજ અમદાવાદમાં જ થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ હતું તેઓ એક સફળ વકીલ હતા. તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. આમ સ્ત્રી સશક્તિકરણના ગુણો તેમને તેમની માતા પાસેથી જ મળ્યા હતા. ઇલાબેન ભટ્ટના માતા તેઓ કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા સંસ્થાપિત ઓલ ઈંડિયા વુમન્સ કોન્ફરેન્સના સેક્રેટરી હતાં તેઓ ત્રણ પુત્રીમાં બીજા ક્રમે હતાં તેમનું બાળપણ સુરતમાં વીત્યું.

અહીં 1940 થી 1948 દરમ્યાન તેમણે સાર્વજનિક ગર્લ્સ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. 1952માં તેમણે દક્ષિણ ગુજરાત યુનીવર્સિટી સંલગ્ન એમ. ટી. બી. કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં બી. એ. (વિનયન સ્નાતક)ની પદવી મેળવી હતી. સ્નાતક થયા બાદ તેમણે અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1954માં હિંદુ કાયદા પર તેમના કાર્ય માટે સુવર્ણ ચંદ્રક સાથે તેમણે કાયદામાં સ્નાતકની પદવી મેળવી હતી. ઇલા બેન ભટ્ટના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા હતા. ઇલા બેનને બે સંતાન છે.

કારર્કિદી :-

ઇલા બેન ભટ્ટે તેમની કારકીર્દીની શરૂઆતમાં મુંબઈની એસ. એન. ડી. ટી. વુમન્સ યુનિવર્સીટીમાં અંગ્રેજી શીખવવાથી કરી. 1955માં તેઓ અમદાવાદની મિલ મજુર સંઘ (ટેક્સટાઈલ લેબર એસોશિએશન – TLA)માં જોડાયાં.

કામગીરી :-

ઇલાબેન ભટ્ટે ગુજરાત સરકારમાં થોડાક વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજુરસંઘની મહિલા પાંખના વડા બનવાનું કહેવામાં આવ્યું. 1967માં તેમણે ઈઝરાયલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટેવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો. મજુર પરિવારોની આવકમાં વધારો કરવા ઘણી સ્ત્રીઓ કાપડ ઉદ્યોગને લાગતી મજૂરી કરતી, પરંતુ રાજકીય કાયદાનું સંરક્ષણ માત્ર કારખાનામાં કામ કરતા મજૂરોને ન મળતું, આ વિચારોની તેમના પર અસર પડી. આથી આવી, કારખાના બહાર સ્વાશ્રયે જાતમજૂરી કરતી મહિલાઓને તેમણે મજુરસંઘની મહિલા પાંખના હેઠળ સંગઠિત કરી. તેમાં તેમને મજુરસંઘના પ્રમુખ અરવિંદ બુચની સહાય મળી.

મહિલા સશક્તિકરણ માટે ‘સેવા’ સંસ્થા સ્થાપી :-

જે સમયે સકાર મહિલા સશક્તિકણ વિશે માત્ર વિચારણા કરી રહી તેવા સમયે ઇલા બેન ભટ્ટે આ દિશામં એક મક્કમ પગલું ભરીને ‘સેવા સંસ્થા’ની સ્થાપના કરી હતી. ઇલા બેન ભટ્ટે 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્ફ-એમ્પ્લૉય્ડ વુમન્સ એસોશિએશન) (SEWA)ની સ્થાપના કરી હતી અને તેઓ 1972થી 1996 સુધી આ સંસ્થાના જનરલ સેક્રેટરી રહ્યા હતા.

આ સંસ્થા આજે એક વટવૃક્ષ બનીને મહિલાઓના ઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. પ્રારંભમાં લગભગ હાજર જેટલી મહિલાઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે 20 લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહી પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે.

વર્ષ 1979માં સ્થપાયેલી સંસ્થા વુમન્સ વર્લ્ડ બેંકીંગ (સ્ત્રીઓની વૈશ્વીક બેંક)ના તેઓ એસ્થર ઓક્લૂ અએમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતા. 1980 થી 1998 સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતર્રાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં.

જૂન ૨૦૧૨માં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટને તેમને પોતાના આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યુ, “વિશ્વમાં ઘણાં વીરો અને વીરાંગનાઓ છે અને ઈલા ભટ્ટ તેમાંના એક છે જેમણે ભારતમાં ઘણાં વર્ષો પૂર્વે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) ચાલુ કર્યું

પુરસ્કારો અને સન્માન :-
  • પદ્મશ્રી પુરસ્કાર :- વર્ષ 1985માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
  • પદ્મભૂષણ પુરસ્કાર :- વર્ષ 1986માં તેને પદ્મભૂષણ પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
  • રોમન મેગ્સેસ એવોર્ડ :- વર્ષ 1977માં સામાજીક ક્ષેત્રે સેવા કાર્ય બદલ તેમને રેમોન મેગ્સેસે પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.
  • રાઈટ લાઈવલીહુડ :- વર્ષ 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો.
  • નીવાનો શાંતિ પુરસ્કાર :- ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને ઈ.સ. ૨૦૧૦માં નીવાનો શાંતિ પુરસ્કાર મળ્યો.
  • ડોક્ટરેટરની માનદ પદવી :- હાવર્ડ યુનિવર્સીટી દ્વારા જૂન 2001માં તેમને માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપવામાં આવી. આવી જ પદવી તેમને 2012માં જ્યોર્જટાઉન યુનિવર્સીટીએ પણ આપી. યુનિવર્સીટી લીબ્રે દી બ્રક્સેલ્સે – બેલ્જીયમએ તેમને પણ ડોક્ટરેટની પદવી આપી.
  • ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ :- નવેમ્બર 2010માં યુ. એસ.ના સેક્રેટરી ઑફ સ્ટેટ હીલેરી ક્લિંટન દ્વારા, 10 લાખ જેટલી ગરીબ ભારતીય મહિલાઓના જીવનસ્તરને સુધારવા અને સ્વાતંત્ર્ય લાવવા બદલ તેમને ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ આપવામાં આવ્યો.
  • રેડક્લિફ પદક :- સમાજની સ્ત્રીઓના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો બદલ તેમને 27 મે, 2011ના રોજ (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ પદક આપવામાં આવ્યું.
  • ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર :- સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્વાઅત્રંત્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ તેમને નવેમ્બર 2011માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો.

Web Title: Elaben bhatt passes away at 89 years in ahmedabad women empowered activist sewa founder