અમદાવાદની શાન એલિસબ્રિજ : કોણે બનાવ્યો હતો? કેવી રીતે એલિસબ્રિજ નામ મળ્યું? શું છે તેનો ઈતિહાસ?

History of Alisbridge Ahmedabad : અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો પ્રથમ બ્રિજ એટલે એલિસબ્રિજ, તો જોઈએ આ બ્રિજનું નામ કેવી રીતે પડ્યું, કેટલા ખર્ચે, કોણે અને ક્યારે બનાવ્યો. જોઈએ બધુ જ.

Written by Kiran Mehta
Updated : July 09, 2024 14:19 IST
અમદાવાદની શાન એલિસબ્રિજ : કોણે બનાવ્યો હતો? કેવી રીતે એલિસબ્રિજ નામ મળ્યું? શું છે તેનો ઈતિહાસ?
એલિસબ્રિજ ઈતિહાસ

Ahmedabad Ellis Bridge : અમદાવાદ ની આન બાન શાન માનવામાં આવતો એલિસબ્રિજ નું 32.40 કરોડ ખર્ચે પુનઃસ્થાપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપવાનો નિર્ણય લીધો છે.

એલિસબ્રિજના સમારકામનો નિર્ણય કેમ લેવાયો?

એલિસબ્રિજ અમદાવાદની આન બાન અને શાન માનવામાં આવે છે. આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે અને આ રકમ ફાળવી છે.

એટલું જ નહીં, પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકે તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે.

એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા આ બ્રિજનો પુનઃઉપયોગ રાહદારીઓ કરી શકશે.

એલિસબ્રિજ માટેની મંજૂર રકમથી કયું કામ કરવામાં આવશે

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 32.40 કરોડના ખર્ચે ઐતિહાસિક એલિસ બ્રિજની જે સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાવામાં આવશે, તેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્‍જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે.

એલિસબ્રિજ : અમદાવાદ શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો પ્રથમ બ્રિજ હતો

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો સાબરમતી નદી ઉપરનો આ પ્રથમ બ્રિજ હતો, અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892 માં બનાવવામાં આવ્યો હતો. જેની લંબાઈ 433.41 મીટર છે અને પહોળાઈ 6.25 મીટર છે, આ બ્રિજ 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે.

એલિસબ્રિજ ઈતિહાસ

અમદાવાદનો એલિસબ્રિજના ઈતિહાસની વાત કરીએ તો, વિકીપિડીયામાં આપેલી માહિતી અનુસાર, સૌપ્રથમ બ્રિટિશરોએ અમદાવાદ સાબરમતિ નદી પર 1870-71 માં 54920 પાઉન્ડના ખર્ચે લાકડાથી પુલ બનાવ્યો હતો. જોકે અમદાવાદ સાબરમતી નદીમાં 1875 માં આવેલા વિનાશક પુરમાં આ પુલ નાશ પામી ગયો હતો. ત્યારબાદ 1892 માં ફરી પુલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેનું કામ એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચને આપવામા આવ્યું હતું. આ માટે બ્રિટિશ સરકારે 5 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવ્યો હતો.

બે બ્રિજની વચ્ચે દેખાય એ જૂનો એલિસબ્રિજ – VIDEO

મહત્વની વાત એ છે કે, જોકે એન્જિનયર હિંમતલાલ ભચેચે માત્ર 4 લાખ 7 હજારમાં આ પુલનું નિર્માણ કર્યું હતું. આ બાબતે બ્રિટિસ સરકારે એન્જિનિયર પર હલકી કક્ષાનું મટેરિયલ વાપર્યું હોવાની શંકા કરી હતી અને તેમની સામે તપાસ માટે એક સમિતી બનાવી હતી, જોકે તપાસ સમિતીએ બધુ બરાબર હોવાનો રિપોર્ટ આપ્યો હતો, અને બાદમાં એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબનો ઈકલાબ એનાયત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ બ્રિજ બનાવવા માટે સારી ક્વોલિટીનું સ્ટીલ બર્મિંગહામમાંથી મંગાવવામાં આવ્યું હતું.

એલિસબ્રિજ નામ કેવી રીતે પડ્યું?

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં જ્યારે એલિસબ્રિજ બનાવવા માટેનું કામ કરવામાં આવ્યું ત્યારે સર બરો હેલબર્ટ એલિસ અમદાવાદ શહેરમાં ઉત્તર વિભાગના કમિશનર હતા, તેમના નામ પરથી આ બ્રિજનું નામ એલિસબ્રિજ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાછળથી 1997 માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું. તેમ છતાં, અમદાવાદનો આ બ્રિજ હાલ પણ એલિસ બ્રિજ તરીક જ ઓળખાય છે. તમને એ પણ જણાવી દઈએ કે, મહાત્મા ગાંધીના દાંડી સત્યાગ્રહની ઘોષણા જોવા માટે 8 માર્ચ 1930 ના રોજ હજારો લોકો આ પુલ પર એકઠાં થયા હતા, જેની આ પુલ ઈતિહાસમાં અમર થઈ ગયો.

જૂનો અલિસબ્રિજ 1997 માં બંધ કરાયો, અને હાલનો નવો એલિસબ્રિજ 1999 માં બનાવવામાં આવ્યો

અમદાવાદીઓ હાલ આપણે જે એલિસબ્રિજ પર વાહન દોડાવીએ છીએ તે નવો એલિસબ્રિજ છે. જુનો એલિસબ્રિજ સાંકડો હતો, તે જૂનો થઈ જતા 1973, 1983 અને 1986 માં શહેરમાં વાહન વધતા તેને તોડી પાડવાનો પ્રસ્તાવ આગામી સરકારો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રસ્તાવ વારંવાર નકારી કાઢવામાં આવ્યા હતા. પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ અને તેની આજુ-બાજુનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીમાં પાણીનો નિકાલ કરતી પદ્ધતિને મે, 1989 માં આરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા.

હવે મૂળ પૂલ સાંકડો હતો, શહેરમાં વાહનો વધતા જતા હતા. જેથી તેનો ઉપયોગ કરવો યોગ્ય ન હતો. અને આખરે 1997 માં આ પુલ બંધ કરવામાં આવ્યો, અને તેની આજુ બાજુ નવો પુલ 80 કરોડના ખર્ચે 1999 માં બાંધવામાં આવ્યો, જેને જેને સ્વામી વિવેકાનંદ નામ આપવામાં આવ્યું, અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ