Tesla company will come Gujarat : એલોન મસ્કની ટેસ્લા કંપની ગુજરાતમાં રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઓટોમેકર જાયન્ટ ટેસ્લાના પ્રવેશ અંગે “આશાવાદી” છે. તેમણે કહ્યું કે, રોકાણ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.
પટેલે બુધવારે સાંજે યોજાયેલી સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારો સાથે વાત કરતી વખતે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટેસ્લા ગુજરાતમાં આવી રહ્યું છે, પટેલે કહ્યું, “ગુજરાત ટેસ્લાને લઈને ખૂબ આશાવાદી છે. એલોન મસ્ક (ટેસ્લાના સહ-સ્થાપક) ના મનમાં ગુજરાત (ભારતમાં) પ્રથમ સ્થળ છે. એવું લાગે છે કે, જ્યારે તેમણે સમગ્ર ભારતનો સર્વે કર્યો ત્યારે તેના (મસ્કના) મગજમાં ગુજરાત હતું. અને કદાચ, તે સંદર્ભે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.
“ચાલો આશા રાખીએ કે, તેઓ (મસ્ક અને ટેસ્લા) ટાટા, ફોર્ડ અને સુઝુકીની તર્જ પર રાજ્યના વિકાસ માટે ગુજરાતમાં આવે. તેઓ આવે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
ટેસ્લા અને મસ્ક સાથે ચાલી રહેલા સંદેશાવ્યવહાર અંગેના પ્રશ્નના જવાબમાં પટેલે મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “જ્યારે કોઈ વાતચીત થાય છે… ત્યારે તમે લોકોએ સમાચાર પ્રકાશિત કર્યા હતા.”
વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્ક.ના સીઇઓ ઇલોન મસ્ક જૂનમાં ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડા પ્રધાનને મળ્યા બાદ મસ્કે કહ્યું હતું કે, તેઓ 2024 માં ભારત આવવાની યોજના ધરાવે છે. સપ્ટેમ્બરમાં, ગુજરાતના અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) એસજે હૈદરે જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે કેન્દ્ર ટેસ્લાના સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યની યોજનાઓમાં રાજ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા સુનિશ્ચિત કરવા ગુજરાત યોગ્ય સમયે કંપનીનો સંપર્ક કરશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું કે, ટેસ્લા ગયા વર્ષે US$1 બિલિયનની સરખામણીએ આ વર્ષે ભારતમાંથી લગભગ US$1.9 બિલિયનના ઘટકો ખરીદવાનું વિચારી રહી છે.





