Gujarat Ex CM Vijay Rupani Funeral: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોના તેમજ પરિવારજનોના ડીએનએ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 33 જેટલા મૃતદેહો પરિવારને સોંપાયા છે. વિજય રૂપાણીના ડીએનએ પણ મેચ થતાં આજે સવારે 11.30 વાગ્યે તેમના મૃતદેહને પણ પરિવારને સોંપાશે. આજે સાંજે 6 વગ્યે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે. તેમની અંતિમ યાત્રા સાંજે 5 વાગ્યે નીકળશે.
સવારે 11.30 વાગ્યે પરિવારને સોંપાશે મૃતદેહ
વિજય રૂપાણીના DNA મેચ થયા છે. આજે સવારે 11.30 વાગ્યે પરિવારના સભ્યોને અસારવા સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીનો મૃતદેહ સોંપાશે. અને મૃતદેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાશે. ત્યારબાદ 5 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. અને 6 વાગ્યે અંતિમ સંસ્કાર થશે.
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો રૂટ
- પ્રકાશ સોસાયટીથી કોટેચા ચોક સુધી
- કાલાવડ રોડ અંડરપાસથી એસ્ટ્રોન ચોક સુધી
- યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ સુધી
- માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક સુધી
- સાંગણવા ચોકથી પેલેસ રોડથી રામનાથ પરા સુધી
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા માટે પાર્કિંગ વ્યવસ્થા
- પાર્કિંગ-1:- VVIP માટે, તિરુપતિનગર સ્ટ્રીટ 1 ના ગેટથી પ્રવેશ કરો, ઓમકાર એપાર્ટમેન્ટની સામે, કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ પાછળ.
- પાર્કિંગ-2. નિર્મલા સ્કૂલની અંદર.
- પાર્કિંગ-3:- સોજિત્રાનગરમાં પાણીની ટાંકી પાછળ ખુલ્લા પ્લોટમાં.
- પાર્કિંગ-4:- વીરાબાઈ મહિલા કોલેજ નિર્મલા રોડ ફાયર બ્રિગેડની સામે કોલેજ પાછળ પાર્કિંગ.
અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે
મળતી માહિતી પ્રમાણે વિજય રૂપાણીની અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે. પ્રકાશ સોસાયટી મેઇન રોડથી ભીચરીનાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહનચાલક અંતિમયાત્રાનો રસ્તો ક્રોસ નહી કરી શકે.
વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચવાનું શરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો પહોંચવાનું શરૂ કરી દીધું છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે પૂરતા સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે.
આ પણ વાંચોઃ- Fact Check: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિજય રૂપાણીનો વાયરલ ફોટો છેલ્લી તસવીર હોવાનો દાવો કેટલો સાચો છે? જાણો હકીકત
ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન
વિજય રૂપાણી 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા, જે લંડન જવા માટે ઉડાન ભર્યાના થોડા મિનિટ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. વિમાન દુર્ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુ:ખદ અકસ્માતે સમગ્ર દેશને શોકમાં મૂકી દીધો છે.