ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદના આદિવાસી જિલ્લાઓમાં ચાલતી નકલી સરકારી કચેરીઓના છેતરપિંડીના બે કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું બુધવારે સાંજે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મોંત થયું છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિલ્લા સબ જેલથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કૌભાંડ કેસમાં નિવૃત્ત IAS અધિકારી બી.ડી. નિનામા પણ આરોપી છે, આદિવાસીઓ માટેની યોજનાઓ માટે ફાળવેલ આશરે રૂ. 40 કરોડનુ ભંડોળ ખોટા બહાના હેઠળ પાછી ખેંચી લેવામાં આવ્યું હતુ.
આરોપી રાજપૂતને જેલમાં છાતીનો દુ:ખાવો ઉપડ્યો હતો
છોટા ઉદેપુર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, ગત વર્ષે ઓક્ટોબરમાં છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ અને નવેમ્બરમાં પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ ન્યાયિક કસ્ટડીમાં રહેલા રાજપૂતને મોડી રાત્રે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આદીવાસી પેટા યોજનાના ભંડોળમાં ઉચાપત
રાજપૂત, સહિત સહ-આરોપી સરકારી કોન્ટ્રાક્ટર અબુ બકર સૈયદ અને પૂર્વ IAS અધિકારી બીડી નિનામાને છોટા ઉદેપુર અને દાહોદમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન વિભાગની સિંચાઈ યોજનાઓ માટે આદિવાસી પેટા યોજનામાંથી ભંડોળની ઉચાપત કરવાના બંને કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવ્યા છે. આરોપીઓએ સરકારી અધિકારીઓ સાથે મળીને છોટા ઉદેપુરમાં રૂ. 21 કરોડ અને દાહોદ જિલ્લામાં રૂ. 18.6 કરોડની ઉચાપત કરી હતી, જેમની આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી છે.
બંને જિલ્લાઓમાં, પોલીસે રાજપૂત, સૈયદ, નિનામા અને અન્ય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 170 (જાહેર સેવક તરીકે કોઈ ચોક્કસ હોદ્દો રાખવાનો ઢોંગ કરવો અને આવા ધારણ કરેલા પાત્રમાં કામ કરવું), 419 (ઢોંગ દ્વારા છેતરપિંડી) હેઠળ FIR દાખલ કરી આ અંતર્ગત અનેક કલમો લગાવવામાં આવી છે. જેમાં 465 (બનાવટ), 467 (મૂલ્યવાન સુરક્ષાની બનાવટ), 468 (છેતરપિંડી કરવાના ઇરાદા સાથે બનાવટી), 471 (છેતરપિંડી અથવા અપ્રમાણિકપણે બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવો), 472 (છેતરપિંડી કરવાના ઇરાદા સાથે સ્ટેમ્પ બનાવવો) ભારતીય દંડ સંહિતાની કલમ 474 (બનાવટી દસ્તાવેજોનો કબજો અસલી તરીકે દર્શાવવા) અને 120 (બી) (ગુનાહિત કાવતરું) સહિતની કલમો ઉમેરવામાં આવી છે.
11 આરોપીઓ સામે 3431 પાનાની ચાર્જશીટ
છોટા ઉદેપુર એસઆઈટીએ જિલ્લામાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરાયેલા 11 આરોપીઓ સામે 3,431 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે. દાહોદમાં નોંધાયેલા કેસમાં દાહોદ પોલીસે 3400થી વધુ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે.





