/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gujarat-Police.jpg)
ગુજરાત પોલીસ (પ્રતિકાત્મક તસવીર)
Gujarat Crime : ગુજરાતમાં ચાર વ્યક્તિની શુક્રવારે વિજિલન્સ ઓફિસર બની અને એક મહિલા પાસેથી તેના પતિ વિરુદ્ધ ગેરકાયદેસર દારૂનો કેસ દાખલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચારેય વ્યક્તિમાં ગૌરાંગ વાઝા, અક્ષય પટેલ અને જીતુ ઓઢ છે - જે અમદાવાદના રહેવાસી છે, તો મનુ રાવલ ગાંધીનગરના રહેવાસી છે.
પોલીસને આરોપીઓ પાસેથી મહિલાએ આપેલા મોબાઈલ ફોન અને રૂ. 40,000 રોકડા મળી આવ્યા છે, જેના પતિ સામે અગાઉ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, સાદા કપડા પહેરેલા અને લાકડીઓથી સજ્જ લોકો શુક્રવારે બપોરે એક સફેદ વાહનમાં રાજ્યના તકેદારી અધિકારીઓ તરીકે આવ્યા હતા અને સંત રોડ ટેકરીના રહેવાસી અરવિંદા પટેલના ઘરે દરોડો પાડ્યો હતો અને 40,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. તેને અને તેના પતિને પ્રોહિબિશન એક્ટ હેઠળ બનાવટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી હતી.
અરવિંદાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારા પતિ પર અગાઉ કેસ નોંધાયા પછી તેમણે બુટલેગિંગ વ્યવસાયને બંધ કરી દીધો હોવા છતાં, તેઓએ 'તકેદારી' હેઠળ દરોડા પાડવાનું ચાલુ રાખ્યું હતું."
પટેલે જણાવ્યું હતું કે, “હું ઘરે એકલી હતી અને તેમણે હજુ સ્ટાફ આવી રહ્યો હોવાનું જણાવી રાહ જોવા કહ્યું કારણ કે, તેમની સાથે કોઈ મહિલા કોન્સ્ટેબલ ન હતી. પરંતુ તેઓ બળજબરીથી મારા ઘરમાં અને ઘરની આગળ રહેલા પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી ગયા હતા.
અરવિંદાએ પોલીસને જણાવ્યું કે, ઘર અને દુકાનમાંથી તેમને કંઈ મળ્યું ન હોવા છતાં, તેઓ તેમની કારમાંથી દારૂની બોટલોની એક થેલી લાવ્યા, તેમની સામે મૂકી અને ધરપકડ ટાળવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી.
ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓએ પૈસા વિના જવાનો ઇનકાર કર્યો હતો અને "ખુરશીઓ લઈને આંગણામાં બેસી ગયા હતા", આખરે ફરિયાદી આ આરોપી વ્યક્તિઓને ચૂકવણી કરવા માટે તેના સોનાના દાગીના ગીરવે મૂકવા માટે સંત રોડ પરની એક જ્વેલરીની દુકાનમાં ગઈ હતી.
ફરિયાદીએ કહ્યું “મારી પાસે ઘરે જે સોનાના દાગીના હતા તે મેં ગીરવે મૂક્યા અને આરોપીને ચૂકવવા માટે રૂ. 40,000 લાવી… તેઓએ રોકડ સ્વીકારી લીધી અને જવાના હતા ત્યારે મારા જીજાજીએ આવીને તેમનું ઓળખ પત્ર બતાવવા કહ્યું. જોકે, આરોપીઓએ તેમને ધમકી આપી અને પોલીસ સ્ટેશન જવાના બહાને તેમને કારમાં લઈ ગયા”.
આ પણ વાંચો - સુરતમાં અરેરાટી! રખડતા કૂતરાઓએ ફાડી ખાતા ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું મોત
અરવિંદા પણ કારની પાછળ ગઈ અને પોલીસ સ્ટેશન પહોંચી અને આ ઘટનાક્રમ વર્ણવ્યો, ત્યારબાદ પોલીસને ખબર પડી કે, ચારેય આરોપીઓને પોલીસ વિભાગ સાથે કોઈ સંબંધ નથી.
આ પછી, જિલ્લા પોલીસે આરોપીઓને રોક્યા અને તેમની ઓળખની પુષ્ટિ કર્યા પછી તેમની ધરપકડ કરી.
આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 384, 452 (હુમલો કરવાની તૈયારી સાથે ઘરમાં પ્રવેશ), 170 (સાર્વજનિક પદનો ઢોંગ કરવો), 504 (શાંતિમાં ખલેલ પહોંચાડવી) અને 114 કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us