Gambhira Bridge Collapse latest updates : બુધવારે સવારના સમયે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા પુલ દુર્ઘટના ગ્રસ્ત થયો હતો. જેમાં 7 જેટલા નાના મોટા વાહનો ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા હતા. જોકે, આજે સવારે વધુ એક મૃતદેહ બહાર કઢાયો હતો. અને સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોના મોતના સમાાચાર છે. જેથી ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ આજે શુક્રવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અન સયાજી હોસ્પિટલ જઈને પીડિતોને મળ્યા હતા.
સતત ત્રણ દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલું, સલ્ફ્યુરિક એસિડ ભરેલું ટેન્કર નદીમાં છે : વડોદરા કલેક્ટર
આજે શુક્રવારે ગંભીરા પુલ દુર્ઘટનાના ત્રીજા દિવસે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 18 મૃતદેહો કાઢવામાં આવ્યા છે જ્યારે આજે સવારે વધુ એક મૃતદેહ કાઢવામાં આવ્યો છે. હજી પણ બે લોકો ગુમ છે. નદીમાં ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતુ હોવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે.
નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્કર છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે બ્રિજનો જે સ્લેબ છે તેને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરીયલ અને સંપત્તિ રિકવર કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં 18 મૃતદેહો મળ્યા હતા. પરમ દિવસે જ્યારે ગુમ થયેલા વ્યક્તિઓની યાદી બનાવી ત્યારે કુલ 7 લોકો ગુમ હતા. ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળતા કુલ 8 લોકો ગુમ થયા હતા. આ પૈકી, પરમ દિવસે 12 મૃતદેહો મળ્યા હતા અને ગઈકાલે પણ 6 મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા, 30 દિવસમાં તપાસ પુરી કરવાની ખાતરી આપી
ઘટનાના ત્રીજા દિવસે એટલે કે આજે શુક્રવારે 11 જુલાઈએ ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં રેસ્ક્યૂમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી આવ્યા ન હતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે આર એન્ડ બીના અધિકારીઓ છે.
આ પણ વાંચોઃ- વડોદરામાં પુલનો એક ભાગ તૂટી પડ્યાના બીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા
પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે, પેડેસ્ટીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થઈ ગયો છે. સરકારે સસ્પેનશનના પગલાં લઇ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જેને રેસ્ક્યૂ કરાશે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે.