ગાંધીનગર : રાંધેજા-પેથાપુર રોડ પર કાર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈનો એક સાથે મોતથી આક્રંદ

Gandhinagar Pethapur Randheja Road Accident : ગાંધીનગર પેથાપુર રોડ પર માણસા (Mansa) ના પાંચ યુવાનોના મોત થયા છે. પિતરાઈ ભાઈઓ (Cousins) ફિલ્મ જોવા ગયા હતા, તે સમયે કાર રોડ પરથી ઉતરી અને ઝાડ સાથે ટકરાઈ.

Written by Kiran Mehta
November 17, 2023 14:46 IST
ગાંધીનગર : રાંધેજા-પેથાપુર રોડ પર કાર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈનો એક સાથે મોતથી આક્રંદ
ગાંધીનગરના પેથાપુર રાંધેજા રોડ પર અકસ્માત, માણસાના પાંચ પિતરાઈ ભાઈના મોત

Gandhing Pethapur Randheja Road Accident : ગાંધીનગર જિલ્લામાં એક મોટી કાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાંચ પિતરાઈ ભાઈના મોત થયા છે. રાંધેજા પેથાપુર રોડ પર કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં માણસાના 17થી 19 વર્ષની ઉંમરના પાંચ યુવાનોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુરથી રાંધેજા જતા રસ્તા પર ગત મોડી રાત્રે સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને પગલે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા પેથાપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, 108 એમ્બ્યુલન્સ મારફતે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાંચના મોત નિપજ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ અનુસાર, મોડી રાત્રે સવા બાર થી સાડા બાર કલાક વચ્ચે પેથાપુર રાંધેજા રોડ પર કેશવ ગૌશાળા પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકોને પીએમ માટે અને ઘાયલ એક યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવની તજવીજ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે, કારમાં છ યુવાનો હતા, તમામ માણસાથી ફિલ્મ જોવા માટે ગયા અને રિટર્ન માણસા જઈ રહ્યા હતા, તે સમયે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનોમાં (1) અસપાક શબ્બીરભાઇ ચૌહાણ (રહે,માણસા ખાટકી વાસ), (2) મોહંમદ સાજેબ સલીમભાઇ બેલીમ, (3) મોહંમદ અલ્ફાઝ (મહેસાણા), (4) સાહિલ નસીરુદ્દીનભાઇ ચૌહાણ(5) સલમાન કાસમભાઇ ચૌહાણ (રહે,હિંમતનગર) જેમના મોત નિપજ્યા છે, જ્યારે શાહનવાબ કાસમભાઇ ચૌહાણની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ યુવાનો પિતરાઈ ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ