GETCO Recruitment Cancellation Cases : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ની વિદ્યુત સહાયકોની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં સફળ થયેલા લગભગ 1,200 ઉમેદવારોએ ગુરુવારે અલકાપુરીમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GUVNL) ની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે આ સપ્તાહની શરૂઆતમાં “તકનીકી ખામીઓ” ને કારણે આ વર્ષની શરૂઆતમાં લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
વિરોધ વચ્ચે, 28 અને 29 ડિસેમ્બરે ફરીથી પરીક્ષા અને 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવા માટેની નવી તારીખો ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવી હતી. જો કે, નોકરી ઇચ્છુકોએ કહ્યું છે કે, આ નિર્ણય સંતોષકારક નથી.
ગુરુવારે સવારે રાજ્યભરમાંથી 1,200 થી વધુ ઉમેદવારો GUVNL ઓફિસની બહાર એકઠા થયા હતા. સૂત્રોચ્ચાર કરીને, તેઓએ નિમણૂક પત્રોની માંગ કરી હતી, જે રદ કરવાના પગલા પછી રોકી દેવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા ઉમેદવારોને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના નેતાઓએ ટેકો આપ્યો હતો કારણ કે, તેઓએ 12 કલાકથી વધુ સમય સુધી તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
5,000 થી વધુ ઉમેદવારોએ GETCO પરીક્ષા બે ભાગમાં આપી હતી, મૌખિક કસોટી અને લેખિત પરીક્ષા. જેટકોના વિવિધ વર્તુળો દ્વારા 6 માર્ચથી 13 માર્ચની વચ્ચે પ્રેક્ટીકલ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ઇલેક્ટ્રીક પોલ પર ચઢવા અને ઉતરવામાં ઉમેદવારની કાર્યક્ષમતા તપાસે છે. જ્યારે લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી.
પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ દલીલ કરી હતી કે, તેઓએ GETCO માં વહેલી ભરતીની આશાએ “ખાનગી નોકરીઓમાંથી રાજીનામું” આપ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરથી “બેકાર” થઈ ગયા છે.
એક યુવા કાર્યકર અને આપ નેતા યુવરાજસિંહ જાડેજા એ કહ્યું હતું કે, “આ એવા ઉમેદવારો છે, જેમણે પરીક્ષાઓ અને અન્ય પરીક્ષણો પાસ કર્યા છે. તેઓ અવ્યવહારુ લાભની માંગણી નથી કરી રહ્યા, પરંતુ માત્ર તેમના નિમણૂક પત્રો તાત્કાલિક બહાર પાડવાની માંગણી કરી રહ્યા છે. સરકારી અધિકારીઓની અસમર્થતા અને બેદરકારી અને મિલીભગતને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવારોને તેની સાથે કોઈ લેવાદેવા નથી અને તેમને આની સજા ન મળવી જોઈએ. જે અધિકારીઓએ ખોટી રીતે પરીક્ષણ કર્યું હતું તેમની બદલી કરવામાં આવી છે, પરંતુ તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, જેટકોની પરીક્ષામાં પાસ ઉમેદવારો તેમને નિમણૂક પત્ર ન મળતા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે પણ જેટકો પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોનું એક ગ્રુપ જેટકોના એમડીને મળવા યુવરાજસિંહની આગેવાનીમાં તેમની ઓફિસ પહોંચ્યું છે.
ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન રૂષિકેશ પટેલે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉમેદવારો માટે લેવાયેલી કસોટીઓમાં “અનિયમિતતા, મુશ્કેલીઓ અને ખામીઓ”ની ફરિયાદો મળ્યા બાદ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા રદ કરી છે.
ઉમેદવારોને નિમણૂક પત્રો મળવાની અપેક્ષા હતી. જો કે, 19 ડિસેમ્બરના રોજ, GETCO એ ભરતી પ્રક્રિયાને રદ કરવાની જાહેરાત કરી અને ઉમેર્યું કે, ટૂંક સમયમાં નવી પ્રક્રિયા શરૂ થશે.





