Gujarati Businessmen Honeytrap Goa | પવનીત સિંહ ચઢ્ઢા : ગોવા પોલીસે એક આંતરરાજ્ય “સેક્સટોર્શન” રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગુજરાતમાં બ્યુટિશિયન તરીકે કામ કરતી મહિલાઓને ગોવામાં સમૃદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિઓને “હની ટ્રેપ”માં ફસાવવા માટે એક ગેંગ દ્વારા કામ પર રાખવામાં આવી હતી.
પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી, જેમાં ઓછામાં ઓછી 15 મહિલાઓ, એક વકીલ અને એક દલાલ સામેલ છે, તેઓ ગુજરાતની જેલમાં હત્યાના આરોપમાં બંધ એક મહિલાની સૂચના પર કામ કરતી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે, જો તેઓ પૈસા આપવાનો ઇનકાર કરે તો, આ ગેંગ લોકોને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા પછી ગોવામાં ખોટા આરોપો પર એફઆઈઆર દાખલ કરાવતી હતી, આવી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, તેમને ગુજરાત સ્થિત મહિલાઓ તરફથી બળાત્કાર અને જાતીય સતામણીની સમાન ફરિયાદો મળ્યા બાદ તપાસ શરૂ થઈ હતી, જે તપાસ દરમિયાન આ ફરિયાદો ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉદાહરણ તરીકે, 22 ઓગસ્ટના રોજ, એક બ્યુટીશીયન, તેના “પિતરાઈ” અને તેમના “ડ્રાઈવર” સાથે – તમામ ગુજરાતના – ઉત્તર ગોવાના કેલાંગુટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. મહિલાનો આરોપ છે કે, ઉત્તર ગોવાની એક હોટલમાં ગુજરાતના એક વેપારીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે જ દિવસે, વેપારી સાથે 2 લાખ રૂપિયામાં “સમાધાન” થયું અને ફરિયાદીએ લેખિતમાં કહ્યું કે, તે કાનૂની કાર્યવાહી કરવા માંગતી નથી.
બે દિવસ પછી, તે જ ત્રણેય ઉત્તર ગોવાના કોલવાલે પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવવા પહોંચ્યા. આ વખતે, “કઝીન” એ પીડિતા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે બ્યુટિશિયને પોતાને તેની મિત્ર ગણાવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટર, જેની સાથે તેણી ગોવા જતી ફ્લાઇટમાં મળી હતી, તેણે એક રિસોર્ટમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. તો, ગેંગની અન્ય એક મહિલાએ ગુજરાતના અન્ય એક વેપારી દ્વારા બળાત્કારનો સમાન કેસ નોંધાવ્યો હતો.
“ફરિયાદોમાં સમાન લિંક્સ હતી અને મહિલાઓની પ્રોફાઇલ પણ સમાન હતી. તમામ કથિત પીડિતો અને આરોપીઓ ગુજરાતના રહેવાસી હતા અને ગોવા ફરવા ગયા હતા અને હની ટ્રેપમાં ફસાયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક મહિલા સામાન્ય રીતે ડેટિંગ એપ પર ગુજરાતના એક ધનિક ઉદ્યોગપતિ સાથે પરિચયમાં આવે છે, તેઓ ગોવા ફરવા જાય છે અને પછી ગુનાને અંજામ આપે છે… આ બધુ શંકાસ્પદ લાગતુ હતુ.
ફરિયાદોની તપાસ કરવા માટે રચવામાં આવેલી વિશેષ ટીમે પોલીસ સ્ટેશનની બહાર Google Pay દ્વારા ગેંગના સભ્યને 2 લાખ રૂપિયા ચૂકવીને ફરિયાદનું “સમાધાન” કરનાર એક વેપારીને બોલાવ્યા હતા.
તેણે પોલીસને જણાવ્યું કે, તે ડેટિંગ એપ પર એક મહિલાને મળ્યો, જેણે પોતાને ગુજરાતની બ્યુટિશિયન ગણાવી. થોડીવાર ચેટ કર્યા પછી, તેણે તેણીને ગોવા જવા અને કાલંગુટની હોટલમાં મળવાનું કહ્યું.
એક પોલીસ અધિકારીએ કહ્યું, “હોટલમાં, તેઓએ શારીરિક સંબંધ બનાવ્યો… બીજા દિવસે, મહિલાએ તેને કહ્યું કે, 15 લાખ રૂપિયા ચૂકવો, નહીં તો તે બળાત્કારનો કેસ દાખલ કરશે.”
પોલીસે હાલમાં ફરિયાદ નોંધી અને ગેંગના સભ્યો વિરુદ્ધ IPC કલમ 386 અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ એફઆઈઆર દાખલ કરી.
28 ઓગસ્ટના રોજ જબરદસ્તી વસુલીના આરોપમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
“પૂછપરછ દરમિયાન, મહિલાઓએ કહ્યું કે, તેમને બિઝનેસમેન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે 50,000 રૂપિયા આપવામાં આવતા હતા. આ ગેંગે ગુજરાતના સ્ટોક બ્રોકર્સ અને વેપારીઓને નિશાન બનાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દલાલો અથવા વચેટિયાઓ દ્વારા આ ગેંગમાં સામેલ થયેલી મહિલાઓ ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને સલુન્સ અને બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.
ગયા વર્ષે નવેમ્બરમાં નોંધાયેલા એક કેસમાં, ગેંગે એક ગુજરાતી સ્ટોક બ્રોકરને નિશાન બનાવ્યો હતો અને તેને 10 કરોડ રૂપિયા જમા કરાવવા અથવા બળાત્કારના કેસમાં ધરપકડનો સામનો કરવા કહ્યું હતું. જ્યારે તેણે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે મહિલાએ ગોવા પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમ સેલમાં બળાત્કારનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી. આ પછી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, “જ્યારે તે જેલમાં હતો, ત્યારે ગેંગે મુંબઈમાં તેના ભાઈ સાથે રૂ. 5 લાખમાં સમાધાન કરવા માટે મીટિંગ કરી હતી, પરંતુ વાતચીત નિષ્ફળ ગઈ હતી.”
આ ટોળકી મીટિંગ કરવામાં અને ગુજરાતથી ગોવા સુધીની મુસાફરીની વ્યવસ્થા કરવામાં ખૂબ કાળજી લેતી હતી, ઘણી વખત તેઓ મહિલા અને વેપારીઓને એક જ ફ્લાઇટમાં મુસાફરી કરે તેવું ગોઠવતા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ગેંગ હોટલના રૂમમાં કોઈ વીડિયો રેકોર્ડ કર્યા નથી કે ફોટોગ્રાફ્સ પણ લીધા નથી. તેમને લાગ્યું કે, બળાત્કારની ફરિયાદની ધમકી મોટી રકમ પડાવવા માટે પૂરતી છે.”
પોલીસે જણાવ્યું હતું કે, તેઓ કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ગુજરાતની જેલમાં બંધ મહિલાની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આ કેસમાં આ મહિલાની ભૂમિકા સ્થાપિત કરવા માટે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. ધરપકડ કરાયેલા લોકોના ખુલાસો અનુસાર, તે જેલમાંથી સ્માર્ટફોન દ્વારા તેમના સંપર્કમાં હતી. ગોવાથી એક ટીમ પુરાવા એકત્ર કરવા ગુજરાત જશે. આ ગેંગમાં વકીલો પણ સામેલ હતા, જેમણે તેમને બળાત્કારના કેસ દાખલ કરવામાં મદદ કરી હતી. હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે.”