Godhra fire : ગોધરામાં આજે વહેલી સવારે હૃદય કંપાવી નાંખે એવી દુર્ઘટના ઘટી હતી. આજે શુક્રવારે સવારે ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી પ્રમાણે ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી અંકુર સોસાયટીમાં જ્વેલર્સ વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોશી પરિવાર સાથે રહેતા હતા. આજે સવારે તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે પરિવાર સાથે વાપી જવાના હતા. જોકે આજે શુક્રવારે વહેલી સવારે મકાનમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે દોશી પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં માતા-પિતા અને બે પુત્રનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં આજે (21 નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ‘શરણાઈ’ના સૂર રેલાય તે પહેલાં જ એક હસતાં-ખેલતાં પરિવારના ચાર સભ્યના કરૂણ મોત નિપજ્યા છે. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે.
મૃતકોના નામ
- પિતા કમલભાઈ દોશી (ઉ.વ. 50)
- માતા દેવલબેન દોશી (ઉ.વ. 45)
- પુત્ર દેવ (ઉ.વ. 24)
- પુત્ર રાજ (ઉ.વ. 22)
આ પણ વાંચોઃ- ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર, જાણો કેવી રીતે
કેવી રીતે બની ઘટના?
ઘટનાની મળથી માહિતી પ્રમાણે મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. જેના કારણે આગમાંથી પેદા થયેલો ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક ન મળી અને શ્વાસ રૂંધાતા ચારે નિંદ્રામાં જ મોતને ભેટયાં હતા.





