Talati Exam: રાજ્યમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તલાટીની પરીક્ષાની ફાઇનલ તારીખ જાહેર થઇ ગઇ છે. તલાટીની પરીક્ષા 7 મે 2023ના રોજ લેવાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી છે. પહેલા 30 એપ્રિલે પરીક્ષા લેવાની વાત હતી. જોકે હવે 7 મે ના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.
કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 30 એપ્રિલે લેવાનાર તલાટીની પરીક્ષા હવે આગામી 7 મે 2023ના રોજ યોજાશે. ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40થી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે. કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં.
આ પણ વાંચો – UGC દ્વારા નવું ક્રેડિટ ફ્રેમવર્ક જાહેર : વેદ-પુરાણમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વિધાર્થીઓને હવે મળશે ક્રેડિટ
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં
ઋષિકેશ પટેલે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષાની વિગતો જાહેર કરતાં કહ્યું કે 9 એપ્રિલના રોજ મંડળ દ્વારા લેવામાં આવેલ જુનિયર કલાર્કની પરીક્ષામાં 9,53,723 ઉમેદવારો પૈકી 3,91,736 ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. આમ માત્ર 41 ટકા ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે 7 મે 2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.