ગોપાલ કટેસિયા | Drink and Drive in Gujarat : મોરબી જતી બસ કેરેજવે પરથી લપસી ગઈ, મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટના બાદ પોલીસે સોમવારે મોરબી જિલ્લામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ના ડ્રાઇવરની કથિત રીતે દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરી હતી.
પોલીસે પકડાયેલા ડ્રાઈવરની ઓળખ રમેશ ડામોર (46) તરીકે કરી છે, જે મોરબી શહેર તરફ જતી બસનો ડ્રાઈવર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર શહેરમાંથી આવતી GSRTC બસ જ્યારે હળવદથી હાઇવે નીચે આવેલા ગામ માનસરમાં સ્પીડ-બ્રેકર પર પહોંચી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
હળવદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મહિસાગર જિલ્લાના બુગઢ ગામના રહેવાસી ડામોર સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે જણાવ્યું કે, બસ કેરેજવે પરથી સરકી જતાં મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. તેઓએ, બસ કંડક્ટર અર્જુનસિંહ પરમાર સાથે મળીને ડામોરને માનસર પાસે આવેલા ગામ શિરોઈ ખાતે બસ રોકવા દબાણ કર્યું, એમ પ્રથમ માહિતી અહેવાલમાં જણાવાયું હતું.
વાંકાનેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર દિપક ઢોલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “તે સમયે, GSRTC વિજિલન્સ વિંગની એક ટીમ પણ શિરોઈ પહોંચી ગઈ હતી. કંડક્ટર અને વિજિલન્સ સ્કવોડના અધિકારીઓને જાણવા મળ્યું કે, ડ્રાઈવર નશામાં હતો. મુસાફરો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કર્યા પછી, કંડક્ટર અને વિજિલન્સ અધિકારીઓ ડ્રાઈવરને હળવદ સ્ટેશને લઈ આવ્યા.”
ઢોલે જણાવ્યું હતું કે, બસ ડ્રાઇવર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ) તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ પીવા અને રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – wolves in forests of Gujarat | ગુજરાતના જંગલોમાં વરૂ : સોફ્ટ રિલીઝ’ પછી, વન વિભાગ વરુને જંગલમાં મુક્ત કરવાની નજીક
પોલીસ ઈન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ડ્રાઈવરને સોમવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.





