ગુજરાતના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક અંદાજ મુજબ ક્રિકેટમાં 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો પકડી પાડ્યો છે અને તેના તાર વિદેશમાં દુબઇ સુધી જોડાયેલા છે. આ કેસમાં રાજકોટ અને ઉંઝાના બે સટોડિયાઓ રડારમાં છે અને તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.
અધધધ… 1400 કરોડનો સટ્ટો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે અને બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. ક્રાઇમ બ્રાન્ચની આ કવાયતથી સટોડિયાઓ ફફડી ઉઠ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડ રૂપિયાના સટ્ટાના હિસાબો પકડી પાડ્યા છે અને વિદેશમાં રહેલા બેન્ક એકાઉન્ટમાં નાણાંની હેરાફેરી કરવામાં આવી હોવાના સબૂત મળ્યા છે. હાલ આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ઉંડી તપાસ કરી રહી છે.
બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
ક્રાઇમ બ્રાન્ચે ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટામાં બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી છે. આ બંને વ્યક્તિના રાકેશ રાજદેવ અને ટોમી પટેલ છે. રાકેશ રાજદેવ જેને આર.આર.ના નામે પણ ઓળખવામાં આવે છે તે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. રાકેશ એ બીજું કોઇ નહીં પણ એક સમયે ગુજરાતમાં સટ્ટા કિંગ તરીકે ઓળખાતા કલગીનો ચેલો છે.
મોબાઇલ એપ્લિકેશન પર રમાય છે સટ્ટો
સમયની સાથે સટ્ટો પણ હવે ડિજિટલ રીતે રમાય છે. ટેકનોલોજીના વધતા ઉપયોગથી હાલ વિવિધ એપ્લિકેશન્સ મારફતે મોબાઇલ વડે જ સટ્ટો રમાડવામાં આવે છે અને તેમાં નાણાંની લેવડ-દેવડ પણ ઓનલાઇન થાય છે. સરકાર, પોલીસ તેમજ કાયદાથી બચવા માટે આવી સટ્ટો રમાડતી એપ્લિકેશન્સના સર્વર અને સંબંધિત બેન્ક એકાઉન્ટ પર મહદંશે વિદેશમાં હોય છે. ક્રિકેટના સટ્ટામાં કોર્ડ વર્ડની ભાષાનો ઉપયોગ કર્યા છે.
મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચે ઝડપાયા હતા 4 બુકીઓ
નોંધનિય છે કે, બે દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી ઇન્ડિયા – ન્યુઝિલેન્ડનની ચાલુ મેચે સટ્ટો રમાડતા 4 બુકીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ બુકીઓ મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશથી સટ્ટો માટે જ અમદાવાદ આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને કેટલાક બુકીઓ સટ્ટો રમાડવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ બુકીઓ પાસેથી 13 મોબાઇલ જપ્તા કર્યા હતા.