ગુજરાતમાં આગામી વર્ષે અમદાવાદમાં યોજાનાર G20 કાર્યક્રમના ભાગરૂપે અર્બન-20 કે U20 સમિટના લોગો, વેબસાઇટઅને સોશિયલ મીડિયા હેન્ડલ્સનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. આ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, આ કાર્યક્રમથી શહેરી વિકાસ અને આયોજન અંગેના વિચારોનું મોટું આદાન-પ્રદાન થશે.
ક્યારે U20 સમિટ યોજાશે
ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ U20-સાયકલનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન ધરાવે છે અને કદાચ આ કારણસર જ અમદાવાદની પસંદગી કરવામાં આવી છે
ભારતને G20ની વિવિધ બેઠકોનું આયોજન કરવાની યજમાની મળી છે. તેના ભાગરૂપે ગુજરાતનું અમદાવાદ શહેર આગામી વર્ષ 2023માં અર્બન-20ની છઠ્ઠી સાયકલ સમિટની યજમાની કરશે. અમદાવાદમાં વર્ષ 2023માં તારીખ 9 અને 10 ફેબ્રુઆરી એમ કુલ બે દિવસ U20 અંતર્ગત સિટી શેરપા સમિટ યોજાશે. ત્યારબાદ જુલાઇ મહિનામાં પણ U20 મેયર્સ સમિટ યોજાશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે U20નો લોગો, વેબસાઇટ અને વેલકમ સોન્ગનું લોન્ચિંગ કર્યુ હતુ. U20 સમિટ ‘વસુધૈવ કુટુંબકમ્ – વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર’ની થીમ પર આધારિત છે.

આ કાર્યક્રમમાં એક વિડિયો સંદેશમાં, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ શહેરોના મેયરો અને અધિકારીઓ વચ્ચેની ગતિવિધિઓ અને ચર્ચાઓ આ ક્ષેત્રમાં નીતિઓને આકર્ષક બનાવવામાં મદદ કરશે. આ પ્લેટફોર્મ G20 દેશોના મુખ્ય શહેરોની સંસ્થાઓની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવાનો પણ ફાયદો આપશે, એવું તેમણે જણાવ્યું હતું.
એક સત્તાવાર પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યુ છે કે, “U20 એ એક સિટી ડિપ્લોમસીની પહેલ છે, જે ટકાઉ એજન્ડાને આગળ વધારવામાં શહેરોની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે,”
આ કાર્યક્રમમાં સમગ્ર દેશના વિવિધ શહેરોના મેયરો અને શહેરી વિકાસ મંડળના ઉચ્ચ અધિકારીઓ સહિત 700 થી વધુ પ્રતિનિધિઓએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ સાથે અમદાવાદમાં યોજાનાર U20 કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રીએ તમામ હિતધારકોને ગુજરાત આવવા આમંત્રિત કર્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે તે U20 એજન્ડાના જનાદેશને પરિપૂર્ણ કરવા તરફ દોરી જશે. “U20 એક અનોખી પહેલ છે, જેમાં શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દુનિયાભરના નેતાઓ માટે ચર્ચાઓ અને સામૂહિક ગતિવિધિ કરવા માટેનું પ્લેટફોર્મ બનશે.” એવું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
C40 (ક્લાઇમેટ 40) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG) સાથે, સિટી શેરપાની શરૂઆતની મીટિંગ 9-10 ફેબ્રુઆરી, 2023ના રોજ યોજાશે. શહેરી વિકાસના મુદ્દાઓના વિષયની ચર્ચાઓ અને અન્ય પ્રવૃત્તિઓ પણ યોજાશે, જેમાં જુલાઇ 2023માં મેયર્સ સમિટ સાથે U20નું સમાપન થશે.
નોંધનિય છે કે, અમદાવાદ 30 જૂન, 2022ના રોજ C40નું સભ્ય બન્યું હતુ અને તે અન્ય વૈશ્વિક ગઠબંધનો જેમ કે ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જી અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયર્નમેન્ટલ ઈનિશિએટિવ્સ (ICLEI)નું સભ્ય પણ છે.
અર્બન-20 (U20) એ G20 સમૂહના દેશોનું જોડાણ ધરાવતું એક જૂથો છે, જે G20 દેશોના શહેરોને મહત્ત્વપૂર્ણ શહેરી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં આબોહવા પરિવર્તન, સામાજિક સમાવેશતા, ટકાઉ ગતિશીલતા, અફોર્ડેબલ હાઉસિંગ અને શહેરી માળખાકીય સુવિધા માટે ધિરાણ અને સામૂહિક ભલામણોના પ્રસ્તાવનો સમાવેશ થાય છે..