ગુજરાતના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના મૂળિયા ઉંડે સુધી ઉતરી ગયા છે અને મોટી સંખ્યામાં લાંચ-રૂશ્વતના કેસ નોંધાયા છે. ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ (Anti-Corruption Bureau) વર્ષ 2022માં ભ્રષ્ટાચારના 176 જેટલા કેસ નોંધ્યા હતા જેમાં આરોપી અને કેસના મામલે આ યાદીમાં ગૃહ વિભાગ સૌથી મોખરે રહ્યું છે.
મંગળવારે એન્ટી કરપ્શન બ્યુરો (ABC) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2022માં 252 વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ વર્ગ-3ના 114 અધિકારીઓ હતા. જેમાંથી 94 અધિકારીઓ વચેટિયા તરીકે પકડાયા હતા. તો સૌથી ઓછા વર્ગ-4ના માત્ર પાંચ અધિકારીઓ વિરુદ્ધ લાંચ-રૂશ્ચતોનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 4.52 કરોડ રૂપિયાની લગભગ પાંચ અપ્રમાણસર મિલકતો જપ્ત પણ કરવામાં આવી હતી.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વર્ષ 2022માં નોંધવામાં આવેલા કુલ 176 કેસોમાંથી સૌથી વધુ 44 કેસ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં નોંધાયા હતા. તો પંચાયત વિભાગના, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગમાં લાંચ-રૂશ્વતના 32 કેસ અને મહેસૂલ વિભાગમાં 25 કેસ નોંધાયા છે.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પકડી પાડવામાં આવેલા 252 આરોપીમાંથી ગૃહ વિભાગના સૌથી વધુ 61 આરોપી હતા, જેમાં 43 આરોપી વર્ગ-3ના કર્મચારી છે. તેવી જ રીતે પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના લાંચ કેસમાં 46 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 29 આરોપી વચેટિયા હતા અને બાકીના આરોપી વર્ગ-3ના અધિકારીઓ છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલા 11 કેસ ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર વતી કામગીરી કરતા અધિકારીઓ વિરદ્ધના હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ તેમના હેલ્પલાઇન નંબર પર આવેલા ફોન કોલના આધારે 13.12 લાખ રૂપિયાના મૂલ્યની 26 ટ્રેપમાં પણ સફળતા મેળવી હતી.