ગુજરાત વધિનાસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો પર જીત હાંસલ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસ 77માંથી 17માં સમેટાઇ ગઇ છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ સાથે લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ પણ ગુજરાતના વિધાનસભામાં ઘટી ગયુ છે, કારણ કે આ વખતની ચૂંટણીમાં માત્ર એક જ મુસ્લિમ ઉમેદવારે ચૂંટણી જીતી છે.
જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત
તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યમાં માત્ર એક જ મુસ્લિમ ઉમેદવારની જીત થઇ છે અને તે છે ઇમરાન ખેડાવાલા, તેઓ અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય છે અને આ વખતે પણ કોંગ્રેસ આ બેઠક પર તેમને જ ટિકિટ આપી હતી, જેઓ 13,658 મતોના માર્જિન સાથે આ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા છે. જમાલપુર-ખાડિયા બેઠક એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આમ નવી 182 ધારાસભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં તેઓ એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતની કુલ વસ્તીમાં 9.67 ટકા મુસ્લિમ સમુદાય છે. વર્ષ 2017ની 14મી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા.
અવશ્ય વાંચો |નવું ગુજરાત ગૃહ: 105 નવા ચહેરા, 14 મહિલા ધારાસભ્યો, 1 મુસ્લિમ; 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાયા
વિધાનસભાઓમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વનો અભાવ માત્ર ગુજરાત કે માત્ર ભાજપ શાસિત રાજ્યો પૂરતો મર્યાદિત નથી.
હાલમાં દેશની લોકસભામાં કુલ 543 સાંસદોમાંથી 26 મુસ્લિમો સાંસદ છે, જે દેશની કુલ જનસંખ્યાના 14.7 ટકા લઘુમતી સમુદાયનું પ્રતિનિધિત્વ 4.78 ટકા કરે છે.

લોકસભામાં મુસ્લિમ સાંસદોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ 5 સાંસદ સાથે તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું પાર્ટીનું છે, ત્યારબાદ કોંગ્રેસના 4 સાસંદ છે જો કે ભાજપ પાસે એક પણ મુસ્લિમ સાંસદ નથી.
લોકસભાની તુલનાએ દેશના તમામ રાજ્યોમાં 233 ધારાસભ્યો સાથે વિધાનસભાઓમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ થોડું સારું છે, જે દેશની કુલ 4,029 વિધાનસભા બેઠકોમાંથી 5.78 ટકા હિસ્સો ધરાવે છે. સૌથી વધુ મુસ્લિમ ધારાસભ્યો કોંગ્રેસના છે, જેની પાસે 54 ધારાસભ્યો મુસ્લિમ સમુદાયમાંથી આવ છે, ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના 43 અને સમાજવાદી પાર્ટીના) 31 ધારાસભ્ય મુસ્લિમ છે. ભાજપ પાર્ટીમાં પાસે એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી.
તાજેતરના વર્ષોમાં ભાજપના છેલ્લા મુસ્લિમ ધારાસભ્ય અમીનુલ હક લસ્કર હતા, જેઓ 2016ની વિધાનસભા ચૂંટણીમાં અસમની સોનાઈ બેઠક પરથી જીત્યા હતા. જો કે 2021ની ચૂંટણીમાં પોતાની સીટ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા.
વિધાન પરિષદોમાં મુસ્લિમ સમુદાયને પ્રતિનિધિત્વ આપવાની વાત આવે ત્યારે ભાજપનો દેખાવ ઘણો સારો છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ભારતના છ રાજ્યોમાં વિધાન પરિષદો છે, જેની કુલ 426 બેઠકોમાંથી 27 મુસ્લિમ છે, જે 6.33 ટકા સમકક્ષ છે. ભાજપ અને કોંગ્રેસ પાસે ચાર-ચાર સાથે સૌથી વધુ મુસ્લિમ એમએલસી છે. ભાજપના એમએલસીમાં બિહારના શાહનવાઝ હુસૈન અને ઉત્તર પ્રદેશના દાનિશ આઝાદ અંસારી, બુક્કલ નવાબ અને મોહસીન રઝાનો સમાવેશ થાય છે.