ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજેપી નેતાએ ત્યારે કહ્યું હતું કે, 160 માંથી તેમની પાર્ટીએ 13 અનુસૂચિત જાતિ (SC) અને 24 અનુસૂચિત જનજાતિ (ST) નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં 14 મહિલા ઉમેદવારોને પણ સ્થાન મળ્યું છે.
જો કે યાદીમાં કોઈ મુસ્લિમ ઉમેદવારનું નામ ન હતું. ભાજપે ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે કુલ પાંચ યાદી બહાર પાડી હતી, પરંતુ એક પણ યાદીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારનું નામ નથી.
રાજ્યની લગભગ 10 ટકા વસ્તી મુસ્લિમ છે
2011ની વસ્તી ગણતરીના ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતની કુલ વસ્તી આશરે 6 કરોડ છે. કુલ વસ્તીમાં હિંદુઓ 88.57 ટકા અને મુસ્લિમો લગભગ 9.67 ટકા છે. એટલે કે રાજ્યમાં લગભગ 58.47 લાખ મુસ્લિમો વસે છે, પરંતુ રાજ્યની સત્તામાં તેમની ભાગીદારી લગભગ નહીવત્ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (2017)માં માત્ર ચાર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા હતા. ચારેય કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1980માં જ્યારે કોંગ્રેસના માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા ત્યારે 12 મુસ્લિમ નેતાઓ વિધાનસભા પહોંચ્યા હતા.
ગુજરાતમાં, ભાજપ અને મુસ્લિમ
ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. વર્ષ 1980માં ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નવ વિધાનસભાની ચૂંટણી થઈ છે. આ દરમિયાન ભાજપે માત્ર એક ચૂંટણીમાં મુસ્લિમ નેતાને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી અને છેલ્લી વખત ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે તે બેઠક ગુમાવી હતી. ત્યારથી આજ સુધી ભાજપે એકપણ ચૂંટણીમાં એક પણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી.
આ પણ વાંચો – હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિત 20 કેસ, કેટલી સંપત્તિના માલિક
તમને જણાવી દઈએ કે 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.