Gujrat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને આમ આદમી પાર્ટી ઘણું જોર લગાવી રહી છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)ગુજરાતના વેપારી વર્ગ સાથે સુરતમાં મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે વેપારીઓને પૂછ્યું કે છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે, તે પહેલા કોંગ્રેસની હતી. શું ક્યારેય કોઇ પક્ષે તમને ચૂંટણી પહેલા અને પછી આમને-સામને બેસાડીને વાત કરી છે.
કેજરીવાલે કહ્યું કે જે રીતે ચૂંટણી પહેલા આપ પાર્ટી તમારી સાથે આમને-સામને વાત કરી રહી છે તેવી જ રીતે ચૂંટણી પછી સત્તામાં આવ્યા બાદ વાતચીત કરીને સમસ્યાનું સમાધાન શોધશે. અહી ડરનો માહોલ છે. ગુજરાતમાં કોઇપણ ખૂલીને બોલી શકતા નથી કે કોને વોટ આપશે. જેટલા પણ કહે છે કે બીજેપીને વોટ આપીશું તે AAPને વોટ આપશે
ડરીને વેપાર કરે છે તે સમાજ પ્રગતિ કરતો નથી- કેજરીવાલ
વેપારીઓને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે સમાજમાં વેપારી ડરીને વેપાર કરે છે તે સમાજ પ્રગતિ કરતો નથી. તમે અહીં આવવાની હિંમત બતાવી તમારી પાસે નોટિસ આવી શકે છે, રેઇડ પડી શકે છે. અમારી સરકારમાં કોઇને ડરવાની જરૂર રહેશે નહીં. અમારી સરકારમાં વેપારીઓને અલગ-અલગ સન્માન આપવામાં આવશે. સત્તામાં આવ્યા પછી રેઇડ રાજ બંધ કરીશું. અમે જે રીતે દિલ્હીમાં રેઇડ રાજ બંધ કર્યું છે તેવું અહીં પણ કરીશું.
આ પણ વાંચો – PM મોદીની લોકપ્રિયતા વધી કે ઘટી? શું આ વખતની ચૂંટણીમાં તેમનો જાદુ ચાલશે? વાંચો CDSCના ડેટા
તેમણે કહ્યું કે રેઇડ મારનાર લોકો ટેક્સ લેવા માટે નહીં પણ વસૂલી કરવા આવે છે. આવામાં અમારી સરકારમાં તમને કોઇપણ ઇન્સપેક્ટર પરેશાન કરવા આવશે નહીં. ગુજરાતમાં સત્તામાં આવ્યા પછી અમે ડોર સ્ટેપ ડિલિવરી ઓફ સર્વિસિઝ આપીશું. કોઇને ઓફિસના ચક્કર કાપવાની જરૂર રહેશે નહીં, ઘરે બેઠા તમારું કામ થશે. કારણ તે જો તમે સરકારી ઓફિસના ચક્કર કાપશો તો દેશ તરક્કી કેવી રીતે કરશે.
પ્રાઇવેટ સ્કૂલની ફી 5 વર્ષ વધવા દઇશું નહીં – કેજરીવાલ
કેજરીવાલે સુરતમાં વાયદો કરતા કહ્યું કે અમારી સરકાર આવી તો અમે આગામી પાંચ વર્ષ સુધી કોઇપણ પ્રાઇવેટ સ્કૂલની ફી વધારવા દઇશું નહીં. જેટલા પણ બાળકોને ગુંડાગર્દી કરીને સ્કૂલની બહાર કાઢ્યા છે અમારી સરકાર બનવાના 24 કલાકની અંદર બધા બાળકો સ્કૂલમાં હશે.