ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022: ઉમેદવારી પત્ર ભરતા સમયે હાર્દિક પટેલ અને ગેની બેન ઠાકોરનું શક્તિ પ્રદર્શન

હાર્દિક પટેલે કહ્યું - આજે માત્ર હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ વિરમગામ વિધાનસભાના ખાસ કરીને માંડલ, દેત્રોજ, વિરમગામ અને નળકાંઠાના ત્રણ લાખ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે

Written by Ashish Goyal
Updated : November 15, 2022 22:29 IST
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022: ઉમેદવારી પત્ર ભરતા સમયે હાર્દિક પટેલ અને ગેની બેન ઠાકોરનું શક્તિ પ્રદર્શન
ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન હાર્દિક પટેલ (Express photo by Nirmal Harindran)

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી-2022ના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઇ રહ્યા છે. આ દરમિયાન નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. વિરમગામ વિધાનસભા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, વાવ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા સમયે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

વિરમગામ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હાર્દિક પટેલની વિરમગામમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મને વિરમગામના સૌથી નાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે મારી જવાબદારી બને છે કે આજે માત્ર હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ વિરમગામ વિધાનસભાના ખાસ કરીને માંડલ, દેત્રોજ, વિરમગામ અને નળકાંઠાના ત્રણ લાખ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે.

હાર્દિક પટેલે કહ્યું કે મને બદનામ કરશો તો ચાલશે પણ હવે મારા વિરમગામ, દેત્રોજ અને માંડલને બદનામ કર્યું તો ક્યારેય પણ નહીં ચાલે. કેમ કે આ ત્રણેય તાલુકાને હવે સર્વશ્રેષ્ઠ તાલુકા બનાવવાના છે.

ગેનીબેન ઠાકોરની ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન કોંગ્રેસના ઘણા દિગ્ગજો હાજર રહ્યા હતા (તસવીર – ગેનીબેન ઠાકોર ફેસબુક )

આ પ્રસંગે ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, , પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગેની બેન ઠાકોરનું શક્તિ પ્રદર્શન (તસવીર – ગેનીબેન ઠાકોર ફેસબુક )

બીજી તરફ સુઇગામ ખાતે ગેનીબેન ઠાકોરની ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ , થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત, દસાડાના ધારાસભ્ય નૌસાદ સોલંકી, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ