Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓના ભાગ્યનો ફેસલો કરશે.
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થતો હતો. હવે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સોમવાર 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. આ બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો પર વોટિંગ થશે. આ સીટો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
આ દિગ્ગજોનું ભવિષ્ય દાવ પર લાગશે
બીજા તબક્કામાં અનેક નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલુ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), ઋષિકેશ પટેલ (વિસનગર), શંકર ચૌધરી (થરાદ), ગેનીબેન ઠાકોર (વાવ), દિલીપજી ઠાકોર (ચાણસ્મા), યુવા નેતા હાર્દિક પટેલ (વિરમગામ), અલ્પેશ ઠાકોર ( ગાંધીનગર દક્ષિણ), જિગ્નેશ મેવાણી (વડગામ) નો સમાવેશ થાય છે. થરાદ બેઠક પર શંકર ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
આ પણ વાંચો – મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને મળી આશીર્વાદ લીધા
કુલ 833 ઉમેદવારો મેદાનમાં
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે બીજા તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ હાલ કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 69 મહિલાઓ અને 764 પુરૂષ ઉમેદવારો છે. બીજા તબક્કામાં મતદાન સ્ટાફમાં કુલ 1,13,325 કર્મચારી/અધિકારી સામેલ છે. જેમાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ સ્ટાફ છે.
બીજા તબક્કામાં કુલ મતદારો 2,51,58,730
બીજા તબક્કામાં કુલ મતદારો 2,51,58,730 છે. જેમાંથી 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. 18થી 19 વર્ષની વયના મતદારો 5,96,328 છે. 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો 5,412 છે. NRI મતદારો કુલ 660 છે. જેમાં 505 પુરૂષ અને 155 મહિલાઓ છે. 26,409 મતદાન મથકો છે. જેમાં 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય વિસ્તારોમાં છે. 93 મોડલ મતદાન મથકો, 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો છે.
પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં વોટિંગ કરશે
પીએમ નરેન્દ્ર મોદી સોમવારે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.