Shraddha Murder Case: 26 વર્ષની શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ હાલના દિવસોમાં આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ બાબતની ગૂંજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે કચ્છ પહોંચેલા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એક રેલીમાં ચેતવણી આપી હતી કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા નહીં હોય, તો દરેક શહેરમાં આફતાબ ઉભો થશે, અને અમે સમાજમાં રક્ષણ કરી શકીશું નહીં.
તમને જણાવી દઈએ કે, હિમંતા બિસ્વા સરમાને બીજેપીના ફાયર બ્રાન્ડ લીડર માનવામાં આવે છે અને તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. આ સંબંધમાં તેઓ ચૂંટણી રેલીઓમાં નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની વાત કરી રહ્યા છે. તેમણે કચ્છમાં કહ્યું કે, 2024માં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સરમાએ કહ્યું કે, જો દેશમાં મજબૂત નેતા (નરેન્દ્ર મોદી) નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ ઉભો થશે અને સમાજનું રક્ષણ નહીં થાય. આસામના સીએમએ શ્રદ્ધાના મામલાને લવ જેહાદ સાથે જોડીને કહ્યું કે, આફતાબ શ્રદ્ધાને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા અને તેના મૃતદેહને ફ્રીજમાં રાખ્યો. તેમણે કહ્યું કે, આવી સ્થિતિથી બચવા માટે નરેન્દ્ર મોદીને 2024માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા વાકર અને આફતાબ બંને કોલ સેન્ટરમાં કામ કરતા હતા. થોડા મહિના પહેલા બંને મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા હતા અને ચાર દિવસ બાદ બંને વચ્ચે ખર્ચ અને છેતરપિંડી મુદ્દે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા.
ગત મહિને શ્રદ્ધા વોકરના મૃત્યુનો ખુલાસો તેના પિતાની શંકાના આધારે થયો હતો. હકીકતમાં, અન્ય ધર્મના છોકરા સાથે સંબંધ હોવાના કારણે 2021 મેથી શ્રદ્ધા અને તેના પરિવાર વચ્ચે કોઈ વાત થઈ ન હતી.