Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આર સી ફળદુ પણ ચૂંટણી લડશે નહીં.
વિજય રૂપાણીએ કહ્યું કે મેં બધાના સહયોગથી પાંચ વર્ષ સુધી સીએમના રુપમાં કામ કર્યું. આ ચૂંટણીમાં નવા કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવે. હું ચૂંટણી લડીશ નહીં. મેં વરિષ્ઠોને પત્ર મોકલીને દિલ્હી જાણ કરી દીધી છે. અમે પસંદ થયેલા ઉમેદવારોને જીતાડવાનું કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે.
નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. તેમણે મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની વાત કરી છે.
આ પણ વાંચો – આ બેઠકો પરથી મળ્યા ‘ગુજરાતના નાથ’, સૌરાષ્ટ્ર, અમદાવાદનો દબદબો


ભગાભાઈ બારડ ભાજપમાં જોડાયા
છોટા ઉદેપુરના કોંગ્રેસના મોટા નેતા મોહન સિંહ રાઠવા બાદ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભગાભાઈ બારડ ભાજપમાં જોડાતા બીજેપીની તાકાત વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તેમની પકડ મજબુત માનવામાં આવે છે. ભગાભાઈ આહિર સમાજનો મોટો ચહેરો છે. અને ગીર સમોનાથ સહિત 11 બેઠકો પર આહિર સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે છે. ભગાભાઈ બારડ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને 1730 મતોથી હરાવ્યા હતા.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.