ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ રાજકીય નેતાઓ પણ એક બીજાના પક્ષો ઉપર આરોપ પ્રત્યારો પણ કરી રહ્યા છે. તો પક્ષ પટલો પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે UPA સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ બુઘવારે કહ્યું કે જો આમ આદમી પાર્ટી (AAP) અમારી પાર્ટીને સપોર્ટ કરે તો કોંગ્રેસને કોઈ વાંધો નથી. ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બુધવારે સાંજે સોલંકીએ પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી.
સોલંકીએ એક વીડિયો ક્લીપમાં કહ્યું કે “શંકરસિંહ વાઘેલા હોય, છોટુભાઈ વસાવા હોય કે NCP કે પાર્ટીનું બીજું કોઈ, અમને જો આમ આદમી પાર્ટી ટેકો આપશે તો કોઈજ વાંધો નથી, આપણે BJP જેવી ફાસીવાદી સાંપ્રદાયિક પાર્ટી સામે લડવું હોઈ તો ટેકો જરૂરી છે. મોંઘવારી હોય, લઠ્ઠાકાંડ જેવી ઘટના હોય, મોરબી (પુલ તૂટી પડવાની) ઘટના હોય, આવી પરિસ્થિતિઓથી લોકોને કોણ બચાવશે, અમે આવા લોકોની સાથે રહીશું.”
સોલંકીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે ” જો આમ આદમી પાર્ટી કોંગ્રેસને ટેકો આપે તો એમાં કંઈ ખોટું નથી”, તેમને ઉમેર્યું કે “હું કઈ કોંગ્રેસની તરફેણમાં નથી બોલતો પરંતુ વ્યક્તિગત રીતે હું કહું છું.”
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ જે તાજેતરમાં વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમણે BJP સાથે કોંગ્રેસ પાર્ટી પર પણ પ્રહાર કર્યો છે. એમની રેલીમાં કેજરીવાલે લોકોને વિનંતી કરે છે કે કોંગ્રેસને વોટ ન આપે અને આપ પાર્ટીને વોટ આપે.
તેમને આક્ષેપ કરતા એવું પણ કહ્યુ કે BJP અને કોંગ્રેસ બંને સાથે હતા અને એ આક્ષેપ પણ કર્યો કે ઘણા સમયથી ગુજરાતમાં BJPની સત્તા છે, “કારણે કે કોંગ્રેસ તેમની વિરોધમાં હતી.”