ગોપાલ બી કાટેસિયાઃ ચૂંટણીની વાત આવે અને એમાં વળી પાટીદાર ફેક્ટરનો મુદ્દો આવે તો એક નામ જરૂરથી મોં પર આવી જાય અને એ છે નરેશ પટેલ. લેઉવા પાટીદાર કિંગ મેકર નરેશ પટેલ ભલે હાલ રાજકારણમાં સીધી રીતે નથી પરંતુ એમના સમીકરણ દરેક રાજકીય પાર્ટી માટે પરિણામ બદલી શકે એવા છે. રાજકારણમાં એન્ટ્રી લેતા લેતા સહેજ માટે રહી ગયેલા નરેશ પટેલ આ વખતની વિધાનસભા ચૂંટણી 2022 માટે પણ મહત્વના ફેક્ટર સાબિત થઇ શકે એમ છે. આવો જાણીએ નરેશ પટેલ અંગે…
રાજકોટના ઉદ્યોગપતિ 56 વર્ષીય નરેશ પટેલે ડિસેમ્બર 2021માં રાજનીતિમાં ઉતરવાની યોજના અંગે જાહેરાત કરી હતી પરંતુ અંતે આ યોજના માંડી વાળી હતી. જોકે, પાટીદારોમાં એક પ્રભાવશાળી વ્યક્તિ છે. લેઉવા ઉપ સંપ્રદાય સાથે સંકળાયેલા નરેશ પટેલ શ્રી ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ છે. જેઓ રાજકોટથી લગભગ 60 કિમી દક્ષિણમાં આવેલા કાગવડ ગામમાં ખોડધામ મંદિરનું સંચાલન કરે છે. ખોડલધામ મંદિર સંપ્રદાયના કુળદેવી ખોડિયાર માતાનું મંદિર છે.
ગત સપ્તાહે દિલ્હી પોલીસ દ્વારા અટકાયત બાદ મુક્ત કર્યા પછી તરત જ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ મંદિરની મુલાકાત લીધી હતી. રાજકીય નેતાઓની લાંબી લાઈનમાં તેઓ નવા હતા જેમણે ખોડલધામની મુલાકાત લીધી હતી. આ પહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલે પણ મંદિર જઈને નરેશ પટેલની મુલાકાત કરી હતી.
શ્રી ખોડલધામ ટ્રસ્ટે આ વર્ષે રાજ્યભરમાં ઓછામાં ઓછા 25 ગરબાનું આયોજન કર્યું હતું. જેમાંથી બેમાં આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓએ હાજરી આપી હતી. રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સુરતમાં સાંસદ રાઘવ ચડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં પાટીદારોએ મોટાભાગે ભાજપને મત આપ્યા હોવા છતાં તમામ રાજકીય પક્ષો દ્વારા નરેશને પોતાના પક્ષમાં જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અત્યારે ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની આગેવાની હેઠળ વર્ષ 2015ના અનામત આંદોલનમાં સામેલ પાટીદારો સામેના પોલીસ કેસ પાછા ખેંચવા માટે ગુજરાત સરકાર સાથે નરેશ પટેલે સક્રિય રીતે મધ્યસ્થી કરી હતી. સિસ્ટમમાં મોટી ભૂમિકા નિભાવવા માટે તેઓ પાટીદારો માટે આગળ આવીને કામ કરી રહ્યા છે.
ડિસેમ્બર પછી નરેશ પટેલે જ્યારે રાજકીય દુનિયામાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તેમના મિત્રો, સમર્થકો અને એસકેટીના ટ્રસ્ટીઓ – લેઉવા પટેલના શક્તિશાળી સંગઠનો જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી વોટ બેન્ક માનવામાં આવે છે તેમની સલાહ લીધી હતી. આ દરમિયાન તેમને કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. નરેશ પટેલના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ કોંગ્રેસમાં સામેલ થવાના અણી ઉપર આવીને ઊભા હતા, જોકે, ભાજપે પણ કથિત રુપથી તેમને સરકારમાં કેબિનેટ રેક મંત્રી પદની ઓફર કરી હતી.
કોંગ્રેસના નેતા પ્રશાંત કિશોર સાથે તેમની વાતચીત એક હદ સુધી થઈ હતી. પરંતુ આ વાતચીતનો કોઈ સુખદ અંત ન આવ્યો. કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંબંધમાં તેમની કેટલીક શરતોથી પાર્ટી સહમત ન થઈ. ત્યારબાદ જૂનમાં તેમણે રાજકીય મેદાનમાં ઉતરવાનો વિચાર માંડી વાળ્યો હતો. આના બદલે તેમણે જાહેરાત કરી હતી કે સરદાર પટેલ સાંસ્કૃતિક ફાઉન્ડેશનના નેજા હેઠળ એક અન્ય એનજીઓનું નેતૃત્વ કરશે અને તેઓ ભવિષ્યના રાજકારણીઓને તાલીમ આપવા માટે એક એકેડમી શરૂ કરશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેના પછીના ઈન્ટરવ્યુમાં, તેમણે કહ્યું કે જો તેમના કદનો કોઈ વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષમાં જોડાય છે તો માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અન્ય પક્ષો પણ તેમને સીએમ ચહેરો માનવામાં આવશે.
બિઝનેસમેન રવજીભાઈ પટેલના છ બાળકોમાં સૌથી નાના નરેશ પટેલ વાણિજ્યનો અભ્યા કર્યો છે અને પટેલ બ્રાસ વર્ક્સના એમડી છે. આ કંપનીની સ્થાપના તેમના પિતાજીએ કરી હતી. જે આજે ઓટોમોબાઈલથી લઈને એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં આવતા એન્જીન સ્પેરપાર્ટ્સ બનાવે છે.
પોતાના દિવંગત પિતાની જેમ જ પટેલે પણ જીવનના શરુઆતના દિવસોમાં સમાજ અને ચેરીટી માટે કામ કર્યું હતું. ક્યારેક આમ ફોર્સમાં જોડાવવાનું સપનું ધરાવતા નરેશ પટેલે પોતાના સદજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગરીબ દર્દીઓને નાણાંકિય સહાય આપવાનું શરુ કર્યું હતું. તેમણે 2010માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિતના પાટીદાર રાજનેતાઓના અસંતોષ વચ્ચે એસકેટીની સ્થાપના કરી હતી. એસકેટી પાટીદારોના એક સંગઠનના રૂપમાં ઉભરી આવી છે. 2017ના જાન્યુઆરી મહિનામાં એસકેટીના ઉદ્ઘાટનમાં પાંચ લાખ લોકો હાજર રહ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
નરેશ પટેલની લોકપ્રિયતા એવી છે કે જ્યારે 2018માં તેમણે એસકેટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે યુવાનોએ રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કર્યું હતું અને બાદમાં તેમણે મજબૂર થઈને રાજીનામું પાછું ખેંચવું પડ્યું હતું.