ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે રોક્યો હતો ગુજરાતનો વિકાસ, કાંકરેજમાં પીએમ નરેન્દ્ર મોદીનો મોટો પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીએ મોટો દાવો કરતા કહ્યું કે ગુજરાતમાં ફરી એક વખત બીજેપીની રેકોર્ડ તોડ વાપસી થશે

Written by Ashish Goyal
Updated : December 02, 2022 15:45 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે રોક્યો હતો ગુજરાતનો વિકાસ, કાંકરેજમાં પીએમ નરેન્દ્ર મોદીનો મોટો પ્રહાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધિત કરી (તસવીર - બીજેપી ગુજરાત ટ્વિટર)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે પુરુ થઇ ગયું છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ મોટો દાવો કરતા કહ્યું કે ગુજરાતમાં ફરી એક વખત બીજેપીની રેકોર્ડ તોડ વાપસી થશે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લટકાવવું અને ભટકાવવું કોંગ્રેસની આદત છે. કોંગ્રેસની ફિતરત છે કે તે એવું કોઇપણ કામ કરતી નથી જેમા તેનું પોતાનું હિત ના હોય. બીજી તરફ મોદી જે કહે છે તે કરીને બતાવે છે. જો તમે અમને આશીર્વાદ આપો છો તો અમે વધારે શક્તિ સાથે કાર્ય કરીશું.

પીએમ મોદીએ કહ્યું- સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા

ભાજપ સિંચાઇ માટે લગાતાર કામ કરે છે. જે બનાસકાંઠાની કોઇ ઓળખ ન હતી, તેને પાણી મળ્યું બટાકા અને અનારની ઓળખ મળી છે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું. સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા, જેણે સરદાર સરોવર ડેમ અટકાવ્યો હતો, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે.

કોંગ્રેસના રાજમાં કરોડોના ગોટાળા થતા હતા – પીએમ મોદી

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ ગયા છે. આવા 4 કરોડ રેશનકાર્ડ કેન્સલ કરીને મે આગળનો રસ્તો કર્યો. કટકી કરવા ન મળે એટલે મોદીને ગાળો બોલે છે.

પીએમ મોદીએ પાટણમાં શું કહ્યું

પીએમ મોદીએ પાટણમાં કહ્યું કે કોંગ્રેસ જ્યારે EVMને કોસવાનું ચાલુ કરે એટલે તમારે સમજી જવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે. કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે EVMને ગાળો દેવાની. આ સીધેસીધું સબૂત છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. પીએમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ભરોસાની પ્રતીક બની ગઈ છે. ભરોસાનું બીજું નામ ભાજપ અને ભાજપનું બીજું નામ ભરોસો. આવનારા દિવસોમાં વીર મેઘમાયાના નામની એક ટપાલ ટિકિટ આપણે બહાર પાડવાના છીએ જે આખા દુનિયામાં પાટણનું નામ રોશન કરવાની છે.

ગુરુવારે પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો

પીએમ મોદીએ ગુરુવારે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શો નરોડાથી શરૂ થયો હતો અને ચાંદખેડા સમાપ્ત થયો હતો. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો હતો. રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા.

પ્રથમ તબક્કામાં એકંદરે 63 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકંદરે 63 ટકા મતદાન નોંધાયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ