Gujrat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીએ રવિવારે સૌ પહેલા નેત્રંગમાં સભા સંબોધી હતી. આ પછી ખેડામાં જનસભાને સંબોધી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર એક સરકાર બનાવવા માટેની નથી. આ ચૂંટણી આગામી 25 વર્ષ જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવે ત્યારે આપણું ગુજરાત ત્યાં હોય, ગુજરાત સમૃદ્ધ હોય, ગુજરાત વિકસિત હોય અને વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં કોઈપણ માપદંડમાં પાછળ ન હોય એવું ગુજરાત બનાવવા માટેની આ ચૂંટણી છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે હું પૂજ્ય રવિશંકર મહારાજની કર્મભૂમિ પર આવ્યો છું. પૂજ્ય બાપુ અને પૂજ્ય સરદાર સાહેબની ચરણરજ જ્યાં પડી છે તેવી ધરતીને પ્રણામ કરું છું. આ જિલ્લાના ગરીબ લોકોને, પછાત સમાજને એવા-એવા જુઠાણા ફેલાયા, એવા આંખે પાટા બાંધી દીધા, કોંગ્રેસના નેતાઓએ તો પોતાનું કરી લીધું પણ અહીંના આખા વિસ્તારને પાછળને પાછળ રાખ્યા.
આ પણ વાંચો – PM મોદીની લોકપ્રિયતા વધી કે ઘટી? શું આ વખતની ચૂંટણીમાં તેમનો જાદુ ચાલશે? વાંચો CDSCના ડેટા
પીએમ મોદીએ કહ્યું – તમારા આશીર્વાદથી હું મોટો થયો છું
પીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદથી હું મોટો થયો છું, આ માટીએ મને મોટો કર્યો છે, તમે જ મારા શિક્ષક છો, તમે જ મારા સંસ્કારદાતા છો. આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ગરીબની ચિંતા ન કરી, યુવાઓની ચિંતા ન કરી, અમે તેમના માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુવકોને આગળ વધારવા, તેમને સારી શિક્ષા આપવા માટે સારી શાળા જોઈએ, સારા રોજગારના અવસર જોઈએ. તેના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, આઈઆઈટી હોય, આઈએમઆઈ હોય, એઈમ્સ હોય તેની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે મારે ગરીબી માટે ચોપડી વાંચવાની નથી, મેં ગરીબી જોયેલી છે. એના કારણે સામાન્ય વર્ગ માટે 10 ટકાનું અનામત પણ આપણી સરકારે કરી દીધું છે.એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે 10 ટકાનું રિઝર્વેશન તેને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે નવો અવસર આપવાનું કામ કર્યું છે.