Gujarat Polls 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. ભાવનગરમાં પીએમ મોદીએ મહારાજ કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વિશાળ સાગર આશીર્વાદ આપવા આવી રહ્યો છે તે અમારા બધાનું સૌભાગ્ય છે. અમે બધા આપના ઋણી છીએ. આજે જ્યારે ભાવનગરની ધરતી પર આવ્યો છું, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તપોભૂમિ પર આવ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી, ગોહિલવાડની ભાવના, આ ભાવેણાની ધરતી. મારું એ સદભાગ્ય રહ્યું કે જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર કયા ખુણામાં આવ્યું તેની ખબર ન હતી. તે વખતે અમારી શાળામાં એક નાટકનો કાર્યક્રમ હતો. તેમાં શાળાના શિક્ષકોએ મને કૃષ્ણકુમારસિંહજીનો રોલ ભજવવા માટે પસંદ કર્યો હતો. આ મારો પહેલા પરિચય હતો આ ધરતી સાથે અને શરૂઆત હતી તે મહાપુરષ સાથે. કદાચ એ પળમાં એવા સંસ્કાર રહ્યા હશે કે આજે પણ એવા જ ભક્તિભાવથી ભાવનગરની ધરતીને નમન કરું છું.
પીએમે કહ્યું કે આપણે આઝાદીના અમૃતકાળમાં નવા સપના, નવા સકલ્પ, નવી આકાંક્ષા અને મહત્વકાંક્ષાઓને લઈને ચાલવું છે. ગુજરાતમાં ભાજપે પાણી માટે જે કામ કર્યું એ પણ દેશના અનેક ભાગો માટે ઉદાહરણ રૂપ છે. કોંગ્રેસે પાણી માટે બે કામ જ કર્યા છે. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડપંપ લગાવવાનો અને બીજું કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું કામ કર્યું છે.પીએમે કહ્યું કે મેં પાઈપલાઈનથી પાણી આપવાનું કહ્યું ત્યારે કોંગ્રેસના મિત્રો મારી મજાક ઉડાવતા હતા.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી જંગ માદરે વતન મહેસાણામાં મોદીનો માસ્ટર સ્ટ્રોક, જીતનો રસ્તો કર્યો પાક્કો
રોજગારના લાખો અવસર પેદા થવાના છે
પીએમે કહ્યું કે નવી ઔદ્યોગિક પોલિસીના કારણે રોજગારના લાખો અવસર પેદા થવાના છે. આજે ગુજરાતના દરિયાકિનારે 15000 મેગાવોટ કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. જો સપનાં જોવાનું સામર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાની કોશિશ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થઈને રહેતી હોય છે.ભાવનગરના કિનારે લોથલમાં હિન્દુસ્તાનના પહેલું મેરીટાઈમ મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ. લોથલમાં દુનિયાના લોકો ભારતની મેરિટાઈમની તાકાતનું મ્યુઝિયમ જોવા આવશે.
પીએમ મોદીએ કહ્યું કે ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે.ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે. વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઇડ્રોજન હબ ગુજરાતના દરિયાકિનારે થવાનું છે. અમારા માછીમાર ભાઈઓનું જીવન આસાન બને, એમની કમાણી વધે એ માટે અમે કામ કરી રહ્યાં છીએ.
હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે
પીએમે કહ્યું કે એક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે એમ હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે.એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે. એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે. એ આશીર્વાદ સમાજ માટે જીવવા-મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે.





