Gujarat Election Result Analysis: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 52.5 ટકા વોટ મેળવીને ભારતીય જનતા પાર્ટી ફરી સરકાર બનાવશે. જ્યારે ભાજપાને ટક્કર આપવાના ઇરાદાથી મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના 42 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. જે 19 સીટો પર ભાજપ મોટા અંતરેથી જીત્યું છે તે સીટો પર કોંગ્રેસ અને આપ બન્નેની ડિપોઝિટ જપ્ત થઇ છે.
2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એટલી મોટી જીત મળી છે કે દોડમાં સામેલ 1621 ઉમેદવારોમાંથી 1200થી વધારેની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે. જોકે ચૂંટણી પંચના આધિકારિક આંકડા આવ્યા નથી.
કઇ પાર્ટીના કેટલા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ?
આ ચૂંટણીમાં આપને 12.92% વોટ મળ્યા છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી પાંચ સીટો પર જીત મેળવવા સફળ રહી છે. 35 સીટો પર આપના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા છે. આપે કુલ 181 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં 128 પર ડિપોઝિટ જપ્ત થઇ છે. ટકાવારીના આંકડામાં જોઇએ તો આપ 70 ટકા સીટો પર જમાનત બચાવી શકી નથી.
કોંગ્રેસને 27.28% વોટ મળ્યા છે. દેશની સૌથી જૂની પાર્ટી ફક્ત 17 સીટો જીતવા સફળ રહી છે. કોંગ્રેસે 179 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં 42 સીટો પર ડિપોઝિટ જપ્ત થઇ છે. ટકાવારીની વાત કરવામાં આવે તો કોંગ્રેસની 23 ટકા સીટો પર જમાનત જપ્ત થઇ છે.
ઉમેદવાર ક્યારે ગુમાવે ડિપોઝિટ?
એક ઉમેદવાર ત્યારે પોતાની ડિપોઝિટ ગુમાવે છે જ્યારે તેને કુલ વોટના 1/6 એટલે કે 16.67% વોટ પણ મળતા નથી. ફક્ત ત્રણને છોડીને એઆઈએમઆઈએમ (13), બસપા (101) અને સમાજવાદી પાર્ટી (17) દ્વારા ઉભા કરાયેલા બધા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ ગઇ છે. સપાએ 17 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં 16 સીટો પર તેની જમાનત જપ્ત થઇ છે.
આ સીટો પરથી કોંગ્રેસ અને આપ બન્નેની ડિપોઝિટ જપ્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સીટ તે સીટોમાંથી એક છે જ્યાં કોંગ્રેસ અને આપ બન્ને ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. ભૂપેન્દ્ર પટેલને 83% વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અમી યાજ્ઞિકને ફક્ત 8.26% અને આપના વિજય પટેલને 6.28% વોટ મળ્યા છે.
ઘાડલોડિયા સિવાય જે સીટો પર કોંગ્રેસ અને આપ બન્નેની જમાનત જપ્ત થઇ છે તેમાં બારડોલી, ચોર્યાસી, એલિસબ્રિજ, હાલોલ, ઝઘડિયા, કાલોલ, મજૂરા, મણિનગર, માંજલપુર, નારણપુરા, પારડી, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, સાબરમતી, સુરત પશ્ચિમ, ઉધના, વાઘોડિયા અને વલસાડ સામેલ છે.