ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સર્વાધિક બેઠકો જીતને નવો રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદમાં 21 વિધાનસભામાંથી 19 બેઠકો પર જીત હાંસલ કરી છે. સંવેદનશીલ અને કોંગ્રેસનો ગઢ ગણાતી બે બેઠકો જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. વિધાનસભા ચૂંટણીમાં જીતનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણી ખોલી શકી નથી.
મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ 2.13 લાખ મત સાથે વિજય
ભાજપે વિધાનસભા ચૂંટણીમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને રિપિટ કરવાની સાથે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પણ જાહેર કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી હતી. આ વખતની ચંટણીમાં તેમણે 213530 મત મેળવીને વિજય થયા છે. તો કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયેલા ડો. અમી યાજ્ઞિકને 21267 મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલને 16194 મત મળ્યા છે. ઘાટલોડિયા મતવિસ્તારમાં 3993 નોટા (NOTA) વોટ પડ્યા છે, જે કુલ વોટિંગના 1.55 ટકા જેટલા છે.

હાર્દિક પટેલનો જંગી મત સાથે જીત
પાટીદાર અનામત આંદોલનના નેતા અને એક સમયે નરેન્દ્ર મોદી તેમજ ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે ભાજપમાં જોડાઇ ગયા બાદ વિરમગામ બેઠક પરથી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી છે. હાર્દિક પટેલે 99155 મત મેળવી જીત મેળવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઇ ભરવાડને 42724 અને અમરસિહ ઠાકોરને 47448 મત મળતા કારમી હારી થઇ છે. નિકોલના સિટિંગ ધારાસભ્ય અને મંત્રીમંડળના નેતા જગદીશ વિશ્વકર્મા 93714 મત સાથે વિજય થયા છે.

કોંગ્રેસ બે બેઠકો જાળવી રાખી, દારિયાપુરની બેઠક ગુમાવી
અમદાવાદની સંવેદનશીલ ગણાતી બેઠકોમાંથી બે પરંપરાગત બેઠકો પર જીત મેળવી કોંગ્રેસ પોતાની લાજ બચાવવામાં સફળ રહી છે. જો કે બીજી બાજુ દારિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થતા આ બેઠક ગુમાવી દીધી છે.
જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા 58487 મત મેળવી વિજય થયા છે. આ બેઠક પર તેમની સામે ભાજપે ભૂષણ ભટ્ટ અને આપ પાર્ટીના હારુન નાગોરીને ટિકિટ આપી હતી. તેવી જ રીતે દાણીલીમડાની બેઠક પર કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય શૈલેષ પરમારને ટિકિટ આપી હતી અને તેઓ આ ચૂંટણીમાં પણ 69130 મત મેળવીને વિજય થયા છે.
જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે દરિયાપુરની બેઠક ગુમાવી પડી છે. દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિલ જૈનને 61090 મત અને કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને 55847 મત મળ્યા છે. આમ દરિયાપુરની બેઠક પર આખરે ભાજપનો વિજય થયો છે.

10 ઉમેદવારોએ મેળવ્યા 1 લાખથી વધુ મતો
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની 21માંથી 10 બેઠકો પર વિજેતા થયેલા ઉમેદવારોએ 1 લાખથી વધારે મતો મેળવ્યા છે અને આ તમામ ઉમેદવારો ભાજપ પાર્ટીના છે. જેમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે સૌથી વધુ 2.13 લાખ મત મેળવ્યા છે. તો દસ્ક્રોઇના બાબુભાઇ પટેલે 1.59 લાખ મત, વેજલપુરના અમિત ઠાકરે 1.18 લાખ મત, નરોડાના પાયલ કુકરાણીએ 1.12 લાખ મત, મણીનગરના અમુલ ભટ્ટે 1.11 લાખ મત, સાણંદના કનુભાઈ પટેલે 1 લાખ મત, વટવાના બાબુસિંહ જાધવે 1.25 લાખ મત, એલિસબ્રિજના અમિત શાહે 1.19 લાખ મત, સાબરમતીના હર્ષદ પટેલે 1.20 લાખ મત મેળવ્યા છે.