Gujarat Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય જીત મેળવી છે. હાલ બહાર આવેલા પરિણામ પ્રમાણે 182માંથી બીજેપીએ 156 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો પર જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી છે.
ભૂપેન્દ્રએ તોડ્યો નરેન્દ્રનો રેકોર્ડ
પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે મારી ઇચ્છા છે કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે. તેમની આ ઇચ્છા લોકોએ પુરી કરી છે. ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂટણીમાં 150થી વધારે સીટો જીતી છે. આ પહેલા ભાજપનો સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ 127નો રહ્યો છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપે 127 સીટો પર જીત મેળવી હતી. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.
ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટનો રેકોર્ડ હતો.
કયા વર્ષમાં કોણે જીતી સૌથી વધારે સીટો
વિધાનસભા ચૂંટણી વર્ષ પાર્ટી જીતેલી સીટો 1962 કોંગ્રેસ 133 1967 કોંગ્રેસ 93 1972 કોંગ્રેસ 140 1975 કોંગ્રેસ 75 1980 કોંગ્રેસ 141 1985 કોંગ્રેસ 149 1990 જનતાદળ 70 1995 ભાજપ 121 1998 ભાજપ 117 2002 ભાજપ 127 2007 ભાજપ 117 2012 ભાજપ 115 2017 ભાજપ 99 2022 ભાજપ 156