Gujarat Election Result 2022 Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય જીત મેળવી છે. હાલ બહાર આવેલા પરિણામ પ્રમાણે 182માંથી બીજેપીએ 156 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો પર જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી છે.
ભૂપેન્દ્રએ તોડ્યો નરેન્દ્રનો રેકોર્ડ
પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે મારી ઇચ્છા છે કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે. તેમની આ ઇચ્છા લોકોએ પુરી કરી છે. ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂટણીમાં 150થી વધારે સીટો જીતી છે. આ પહેલા ભાજપનો સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ 127નો રહ્યો છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપે 127 સીટો પર જીત મેળવી હતી. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.
ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટનો રેકોર્ડ હતો.
કયા વર્ષમાં કોણે જીતી સૌથી વધારે સીટો
વિધાનસભા ચૂંટણી વર્ષ | પાર્ટી | જીતેલી સીટો |
1962 | કોંગ્રેસ | 133 |
1967 | કોંગ્રેસ | 93 |
1972 | કોંગ્રેસ | 140 |
1975 | કોંગ્રેસ | 75 |
1980 | કોંગ્રેસ | 141 |
1985 | કોંગ્રેસ | 149 |
1990 | જનતાદળ | 70 |
1995 | ભાજપ | 121 |
1998 | ભાજપ | 117 |
2002 | ભાજપ | 127 |
2007 | ભાજપ | 117 |
2012 | ભાજપ | 115 |
2017 | ભાજપ | 99 |
2022 | ભાજપ | 156 |