Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મત ગણતરી 8 ડિસેમ્બરે થવાની છે . એટલે કે એક દિવસ પછી ખબર પડી જશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. આ પ્રસંગે અમે તમને ફ્લેશબેકમાં લઇ જઇ રહ્યા છીએ અને 1998ના પરિણામ વિશે જાણકારી આપી રહ્યા છીએ. તે સમયે કેવી સ્થિતિ હતી. 1998માં ફરી એક વખત ભાજપા સરકાર બનાવવા સફળ રહી હતી.
1998માં 59.30 ટકા વોટિંગ થયું હતું
1998માં 182 સીટો પર કુલ 1125 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આ સમયે કુલ 59.30 ટકા વોટિંગ થયું હતું. જેમાં પુરુષનું વોટિંગ 63.34 ટકા અને મહિલાઓનું વોટિંગ 55.03 ટકા રહ્યું હતું.
હજૂરિયા-ખજૂરિયા કાંડ પછી પ્રથમ ચૂંટણી
ગુજરાતના રાજકારણમાં 1995થી 1998નો સમય ઘણો ઉથલપુથલ ભર્યો રહ્યો હતો. આ ત્રણ વર્ષના ગાળામાં કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ એમ ચાર મુખ્યમંત્રી બદલાયા હતા. ભાજપના શંકરસિંહ વાઘેલાએ 1995માં કેશુભાઇ પટેલની સરકાર સામે બળવો કર્યો હતો. જે હજૂરિયા-ખજૂરિયા કાંડ તરીકે ઓળખાય છે. આ બધા ઉથલપુથલ પછી 1998માં ફરી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
ભાજપની ફરી વાપસી, કેશુભાઇ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા
1998માં ફરી ભાજપની સરકાર બની હતી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. આ સમચે ભાજપે 117 સીટ પર જીત મેળવી હતી. કોંગ્રેસને 53 સીટ મળી હતી. જનતા દળ અને ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા દળને 4-4 સીટો મળી હતી. અન્યના ફાળે 4 સીટો આવી હતી.ભાજપને 44.41 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 34.25 ટકા અને ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા દળને 11.68 ટકા વોટ મળ્યા હતા.
ભૂકંપે કેશુભાઇનું મુખ્યમંત્રીનું પદ છીનવ્યું
ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ પછી રાહતના કામમાં ઉતાવળ ના થતા લોકોમાં નારાજગી હતી. જેના કારણે ભાજપે કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી નરેન્દ્ર મોદીને 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી બનાવ્યા હતા.કેશુભાઇ પટેલ બન્ને વખત પોતાનો કાર્યકાળ પુરી કરી શક્યા ન હતા.