ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. 1લી ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જેમાં 788 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં બંધ થઇ જશે. જો પ્રથમ તબક્કાના 89 બેઠકોના ઉમેદવારોનું વિશ્લેષ્ણ કરીયે તો વર્ષ 2017ની તુલનાએ વર્ષ 2022માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામોં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે પ્રસ્તૃત છે પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત, અભ્યાસ અને આવક-સંપત્તિનું રસપ્રદ વિશ્લેષ્ણ…
પ્રથમ તબક્કાના 21 ટકા ઉમેદવારો ‘દાગી’
ગુજરાતમં 1લી ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના 89 બેઠકોનો કુલ 788 ઉમેદારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 100 ઉમેદવારો ( 13 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. વર્ષ 2017માં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવારો (15 ટકા) દાગી હતા જેમાંથી 78 ઉમેદવારો (8 ટકા) ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા.
કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો ‘દાગી’
ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવાર એટલે કે 36 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં 30 વિરુદ્ધ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 89માંથી 31 ઉમેદવારો (35 ટકા) અને ભાજપના 14 ઉમેદવારો (16 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 14માંથી 4 ઉમેદવારોએ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.

જો વર્ષ 2017ની વાત કરીયે તો તે સમયે કોંગ્રેસના 86માંથી 31 ઉમેદવાર (36 ટકા) અને ભાજપના 89માંથી 22 ઉમેદવાર (25 ટકા) તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના 3માંથી 2 ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવતા હતા. આમ આ વખતે ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા વધી છે જ્યારે ભાજપની ઘટી છે.
પ્રથમ તબક્કાના 211 ‘કરોડપતિ ઉમેદવાર’, સૌથી વધુ ભાજપના
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ચૂંટણી લડશે તેમાંથી 211 ઉમેદવારો (27 ટકા) કરોડપતિ છે. જ્યારે વર્ષ 2017માં 923માંથી 198 ઉમેદવારો (21 ટકા) કરોડપતિ હતા.
રાજકીય પક્ષ પ્રમાણ વાત કરીયે તો ભાજપના 79 ઉમેદવાર (89 ટકા), કોંગ્રેસના 65 ઉમેદવાર (73 ટકા) અને આપ પાર્ટીના 33 ઉમેદવાર (38 ટકા) કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. અહીં કરોડપતિનો અર્થ 1 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિના માલિક હોવું છે.

વર્ષ 2022ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના 788 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.88 કરોડ રૂપિયા રહી છે જ્યારે વર્ષ 2017માં 923 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.16 કરોડ રૂપિયા નોંધાઇ હતી.
પ્રથમ તબક્કામાં 37 ઉમેદવારો ‘અભણ’
પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી 37 ઉમેદવારો ‘અભણ’ છે તો 146 ઉમેદવારો ધોરણ- આઠ સુધી ભણેલા છે, જેમની સંખ્યા સૌથી વધારે છે. ધોરણ-10 સુધી ભણેલા 142 ઉમેદવાર અને ધોરણ-12 સુધી ભલેણા 94 ઉમેદવાર છે. ચૂંટણીમાં ઝંપલાવનાર 83 ઉમેદવારો સ્નાત, 65 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુઅટ, 3 ઉમેદવાર ડોક્ટર અને 21 ઉમેદવાર ડિપ્લોમા સુધી ભણેલા છે.

કુલ ઉમેદવારોમાં માત્ર 8.8 ટકા મહિલાઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 788માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે, ટકાવારીની રીતે આ સંખ્યા માત્ર 8.8 ટકા જેટલી થાય છે.