ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે ત્યારે દરેક પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડી છે. પોતાના પક્ષોને જીતાડવા માટે તમામ પાર્ટીના મુખ્ય નેતાઓ વિવિધ વાયદા આપવા લાગ્યા છે. વિવિધ અભિયાનો લોન્ચ કરીને રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચવાનો પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપર જ છે. અત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે એક અભિયાન શરુ કર્યું છે. અરવિંદ કેજરીવાલે ‘પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો અભિયાન’ લોન્ચ કર્યું હતું.
“તમારા મુખ્યમંત્રી પસંદ કરો” અભિયાનને લોન્ચ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું: “અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના લોકો અમને જણાવે કે આગામી મુખ્યમંત્રી કોણ હોવું જોઈએ. અમે એક નંબર અને ઈમેલ આઈડી રજૂ કરી રહ્યા છીએ. તમે 3 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી તેના પર તમારા મંતવ્યો મોકલી શકો છો. અમે બીજા દિવસે પરિણામ જાહેર કરીશું.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને AAP ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાની સાથે કેજરીવાલે શાસક ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી પાસે બે દાયકાથી વધુ સમયથી શાસન કરવા છતાં બતાવવા માટે વિકાસનું મોડેલ નથી.
મોંઘવારી અને બેરોજગારી એ જ એવી ચીજો છે જે ભાજપે ગુજરાતને આપી છે. જ્યારે આ બે મેટ્રિક્સની વાત આવે છે ત્યારે રાજ્ય યાદીમાં ટોચ પર છે. પરિવર્તનનો સમય આવી ગયો છે અને ગુજરાતના લોકો પણ AAPએ દિલ્હી અને પંજાબમાં કરેલા કામ વિશે વાત કરી રહ્યા છે.
ગુજરાત ચૂંટણીમાં AAP શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસને સખત ટક્કર આપે તેવી અપેક્ષા છે એવું રાજકારણ નિષ્ણાંતો માની રહ્યા છે.