Valsad Beggar Dies of Hunger : વલસાડ શહેરમાં કથિત રીતે ભૂખને કારણે એક ભિખારીનું મૃત્યુ થયાના દિવસો બાદ બુધવારે તેના સંબંધીઓએ તેની ઓળખ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મૃત્યુ સમયે ભિખારી પાસે 1.14 લાખ રૂપિયાની નોટો હતી. મૃતક ભીખારી વલસાડ શહેરના ધોબી તાલાબ વિસ્તારમાં પાકું મકાન પણ ધરાવે છે.
મૃતકની ઓળખ 60 વર્ષીય મુકેશ ઉર્ફે મહેશ પટેલ તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મુકેશ પટેલ રવિવારે સ્ટેડિયમ રોડ પર ગાંધી લાઇબ્રેરી પાસે બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક જૂતાની દુકાનના માલિકે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. આ પછી તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
તેમના મૃત્યુ બાદ વલસાડ શહેર પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે કે, મુકેશ પટેલે મૃત્યુ પહેલા બે દિવસથી ખાવાનું ખાધું ન હતું.
વલસાડ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી જીતિયાએ જણાવ્યું હતું કે, “અમે મૃતકની ઓળખ માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ, નિષ્ફળ રહ્યા હતા. બુધવારે સાંજે દીપક રમેશ પટેલ અને તેની બહેન જીગીશા પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને દાવો કર્યો કે, મૃતક તેમના કાકા વડચોક નિવાસી મુકેશ ઉર્ફે મહેશ પટેલ છે. અમે દીપક અને જિગીષાએ સબમિટ કરેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી છે… અમે તેમને લાશ અને રોકડ સોંપી દીધી છે.
તેમણે વધુમાં કહ્યું, “મુકેશ અપરિણીત હતો અને લગભગ 10 વર્ષ પહેલા તેમની માતાના મૃત્યુ પછી તે માનસિક રીતે અસ્થિર હતો. મુકેશના મોટા ભાઈ રમેશ સુક્કરભાઈ પટેલનું પણ થોડા વર્ષો પહેલા અવસાન થયું. મુકેશ દર 15 દિવસે તેમના ઘરે આવતા અને પછી ઘર છોડીને જતા રહેતા. અમે મુકેશના ઘર પાસે રહેતા 15 લોકોના નિવેદન પણ લીધા છે.





