ગુજરાતમાં ભાજપના બે બળવાખોર નેતાઓ જયપ્રકાશ પટેલ અને ઉદેસિંહ ચૌહાણે ‘ઘર વાપસી’ કરી છે. ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે બે બળવાખોર નેતાઓને પાર્ટીમાં ફરીથી સામેલ કર્યા હતા. જયપ્રકાશ પટેલ અને ઉદેસિંહ ચૌહાણે વર્ષ 2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જ પાર્ટી ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી હતી.
કમલમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીઆર પાટીલે આ બળવાખોર નેતા – જયપ્રકાશ પટેલ અને ઉદેસિંહ ચૌહાણને કેસરીયા ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યા હતા.
જયપ્રકાશ પટેલે મહીસાગર જિલ્લાના લુણાવાડા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી. તો ઉદેસિંહ ચૌહાણ બાલાસિનોર જિલ્લાના મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પટેલ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પદ પણ સંભાળી ચુક્યા છે. લુણાવાડામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સામે ભાજપનો પરાજય થયો હતો જ્યારે બાલાસિનોરમાં તેના ઉમેદવાર માનસિંહ ચૌહાણની જીત થઈ હતી.
મીડિયાને નિવેદન આપતા પટેલ અને ચૌહાણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામગીરી કરવાની અને પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં પક્ષને જીત અપનાવાનો સંકલ્પ કર્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બે નાગાલેન્ડ વ્યક્તિઓ પર બેઝબોલ બેટ વડે હુમલો કર્યો, એકની ધરપકડ
આ કાર્યક્રમમાં ગોરધન ઝડફિયા અને જયંતિ કાવડિયા, મહિસાગર જિલ્લાના પાર્ટી પ્રભારી રાજેશ પાઠક અને સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો સહિત ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.