ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતને રોકવા માટે સરકાર દ્વારા સતત સંખ્યાબંધ પ્રયાસો કરવામાં આવવા છતાં આ સમસ્યા ઘટી રહી નથી, ઉલટાંનું કરપ્શનના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં લાંચ રૂશ્વતના કેસોમાં 16.5 ટકાનો વધારો થયો છે.
આજે શુક્રવારે રાજ્યની વિધાનસભામાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલા લાંચ રૂશ્વતના કેસોની સંખ્યામાં 16.5 ટકાનો વધારો થયો છે.
ક્યાં વર્ષમાં ભ્રષ્ટાચારના કેટલા કેસો નોંધાયા?
એન્ટી કરપ્શન બ્યૂરોના આંકડા અનુસાર વર્ષ 2021માં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના 145 કેસ નોંધાયા હતા, જેની સંખ્યા વધીને વર્ષ 2022માં 169 થઇ છે. આમ છેલ્લા બે વર્ષમાં લાંચના કુલ 314 કેસ નોંધાયા છે. ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અમદાવાદના દાણીલીમડા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત પ્રત્યત્તરમાં આ માહિતી જણાવી છે. આ લાંચ રૂશ્વતના કેસોમાં સંકળાયેલી કુલ રકમ 2.23 કરોડ રૂપિયા છે, એમ સરકારે ઉમેર્યું હતું.
છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસના 86 કર્મચારીઓ સામે લાંચના કેસ પણ નોંધાયા છે. જેમાં વર્ષ 2021માં 40 અને 2022માં 46 પોલીસકર્મીઓ સામે ભ્રષ્ટાચારના કેસનો નોંધાયા છે. બે વર્ષ દરમિયાન કુલ 314 લાંચ રૂશ્વતના કેસમાંથી 177 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જ્યારે 137 કેસોની તપાસ ચાલી રહી છે.