Gujarat Budget 2024 Health And Family Welfare Department : ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લોકોને કેશ લેસ સારવાર આપવા 3110 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવા 76 કરોડની ફાળવણી કરાઇ છે. વાંચો બજેટ 2024માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મુખ્ય ઘોષણા
ગુજરાત બજેટ 2024 : આરોગ્ય – પરિવાર કલ્યાણ માટે મુખ્ય ઘોષણા
ગુજરાત બજેટ 2024માં નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, “સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.

ગુજરાત બજેટ 2024માં આરોગ્ય ક્ષેત્ર માટે 32 ટકા વધુ ફાળવણી
ગુજરાત બજેટ 2024માં માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15181 કરોડના બજેટમાં 32.40 ટકાનો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે 20100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું.
2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં PM આરોગ્ય યોજનાનો લાભ મળશે
ગુજરાત બજેટ 2024 માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.
મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ.
G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ.
આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ.
ગુજરાત બજેટ 2024 : 319 એમ્બ્યુલન્સ ખરીદવા 76 કરોડની જોગવાઇ
સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ.
એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ.
યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઇ.
આ પણ વાંચો | ગુજરાત બજેટ 2024 : ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું સસ્તું થશે, બજેટમાં જંગી સબસિડીની ઘોષણા
ગુજરાત બજેટ 2024 માં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3 હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે `53 કરોડની જોગવાઈ.





