ગુજરાત બજેટ 2024 : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22,163 કરોડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતરગ્ત આ વિભાગ દ્વારા રાજમાર્ગો, આંતરિયાળ વિસ્તારો, સહિતના વિકાસ માટે રોડ, રસ્તા અને બ્રિજ બનાવવા માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત બજેટ 2024 રજૂ કરતા સમયે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજયના વિકાસ માટે ધોરી નસ સમા છે. જેથી રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરવા પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે, જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે. આગામી સમયમાં રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સરકારની પ્રાથમિકતા છે.
ગુજરાત બજેટ 2024 – માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22,163 કરોડની જોગવાઈ
ગુજરાત બજેટ 2024 : પ્રગતિ હેઠળના કામો માટે કેટલી જોગવાઈ
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે 5000 કરોડની જોગવાઇ.• દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે 2440 કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ ૪૬ રસ્તાઓ અને પુલો માટે 979 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 216 કરોડની જોગવાઈ.• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે 284 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 100 કરોડની જોગવાઈ.• અંદાજિત 1600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે 318 કરોડની જોગવાઈ.• ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ – પીપળી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ –ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે 222 કરોડની જોગવાઈ.• દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ 17 રસ્તાઓના વિકાસ માટે 568 કરોડનું આયોજન. જેના માટે 526 કરોડની જોગવાઈ.• જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના 530 કરોડના કામો માટે 270 કરોડની જોગવાઈ.• મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૪ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 1159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોનેફોર-લેન બનાવવાની 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 1749 કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વયે રાજ્યના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની 660 કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 600 કરોડની જોગવાઈ.• વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 246 કરોડની જોગવાઇ.• 962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર માર્ગીય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે.• ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી.ની કામગીરી અન્વયે 2847 કરોડના ખર્ચે કુલ ૪૯ કામો પ્રગતિ હેઠળ.• ભરૂચ દહેજ રસ્તા પર 420 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ.• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-૬૫ ના રસ્તાને વિકસાવવા માટે 200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• હિંમતનગર બાયપાસના રસ્તાને 75 કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.• ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું 136 કરોડનું કામ પ્રગતિ હેઠળ.• સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું 89 કરોડનું કામ પ્રગતિ હેઠળ.• ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે 125 કરોડનું કામ પ્રગતિ હેઠળ.
ગુજરાત બજેટ 2024 : નવા કામો માટે કેટલી જોગવાઈ
• અંદાજિત 2000 કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 700 કરોડની જોગવાઈ.
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2024 : ગિફ્ટ સિટીનું 3300 એકરમાં વિસ્તરણ થશે, રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે
• અંદાજિત 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 450 કરોડની જોગવાઈ.• અંદાજિત 800 કરોડના ખર્ચે રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનીંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે 300 કરોડની જોગવાઈ.





