વડાપ્રધાનના વિકસિત ભારત 2047 ના લક્ષ્યને સાકાર કરવાના વિશ્વાસ સાથે નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં ગુરુવારે ગુજરાત બજેટ 2025-26 રજૂ કરતાં સરકાર વિકસિત ગુજરાત 2027 ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ હોવાની દ્રઢતા વ્યક્ત કરી. આ બજેટ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી હોવાની તેમણે ખુશી વ્યક્ત કરી. આવો અહીં જાણીએ કે આ બજેટમાં મહિલા, ખેડૂતો, યુવાનો અને વિવિધ વિભાગમાં શું જોગવાઇ કરવામાં આવી છે.
3.70 લાખ કરોડનું વિક્રમી બજેટ
નાણામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, વિકસિત ગુજરાત 2027 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26 માટે ₹3 લાખ 70 હજાર 250 કરોડનું વિક્રમી અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કરું છું.
બજેટ 2025-26 કયા વિભાગ માટે શું છે જોગવાઇ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ 6807 કરોડ
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹ 5120 કરોડ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2782 કરોડ
શિક્ષણ વિભાગ માટે કુલ ₹ 59,999 કરોડ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹23,385 કરોડ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7668 કરોડ
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2712 કરોડ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹1093 કરોડ
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹24705 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹30,325 કરોડની જોગવાઇ
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹13,772 કરોડની જોગવાઇ
જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹13,366 કરોડની જોગવાઇ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4283 કરોડની જોગવાઇ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2535 કરોડની જોગવાઇ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹11706 કરોડની જોગવાઇ
પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹2748 કરોડની જોગવાઇ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹22498 કરોડની જોગવાઇ
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹1999 કરોડની જોગવાઇ
મહેસૂલ વિભાગ માટે કુલ ₹5427 કરોડની જોગવાઇ
ગૃહ વિભાગ માટે કુલ ₹12659 કરોડની જોગવાઇ
કાયદા વિભાગ માટે કુલ ₹2654 કરોડની જોગવાઇ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹362 કરોડની જોગવાઇ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹6751 કરોડની જોગવાઇ
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની કુલ જોગવાઇ
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹419 કરોડની જોગવાઇ
બજેટ 2025 રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું કે, ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ “પ્રથમ ક્રમ” – નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ 2025 ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને “Achievers” દરજ્જો મળેલ છે. જે ગૌરવની વાત છે.
ગુજરાત આવક અને રોજગારીમાં અગ્રેસર
ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં અગ્રેસર છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન : નાણામંત્રી
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ.
દેશની કુલ નિકાસમાં ગુજરાતનો સિંહફાળો
ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં “Achievers” દરજ્જો મેળવેલ છે.
પોષણ અને તંદુરસ્તી યોજનાઓમાં વધારો
પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત ₹8200 કરોડની જોગવાઇ
પઢાઇ ભી, પોષણ ભી ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ
શિષ્યવૃત્તિ માટે ₹4827 કરોડ
ગુજરાતની આશરે 36% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4827 કરોડની જોગવાઇ
આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે ₹3600 કરોડની જોગવાઇ
કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે ₹1252 કરોડની જોગવાઇ
ગુજરાત બજેટ 2025 અહીં જુઓ – Gujarat Budget 2025-25 full PDF
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1020 કરોડની જોગવાઇ
ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રોજેકટ હેઠળ 1367 કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.
રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે
અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે
મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે
શહેરી વિભાગ માટે બજેટ 40% વધારીને ₹30,325 કરોડ
બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવાશે.
રેલ મેટ્રો માટે ₹2730 કરોડની જોગવાઇ
અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ ડીસેમ્બર 2025 માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹2730 કરોડની જોગવાઇ
2060 નવિન એસ.ટી બસો ખરીદાશે
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ 2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹1128 કરોડની જોગવાઇ. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીની બસનું આયોજન કરાશે.
ગુજરાત બજેટ 2025-26 PDF
Anti Narcotics Task Force યુનિટ ઊભું કરાશે
રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ ₹352 કરોડની જોગવાઇ
14 હજારથી વધુ કોન્સ્ટેબલની ભરતી કરાશે
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.





