Who is Harsh Sanghvi Deputy CM Gujarat : ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા તેઓ ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા હતા. માત્ર 40 વર્ષની ઉંમરે સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
શપથ લેનારા 25 મંત્રીઓની યાદીમાં 19 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના 6 ચહેરા જૂના છે. જૂની યાદીમાં હર્ષ સંઘવી ગુજરાત સરકારમાં નંબર 2 તરીકે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમની પાસે ગૃહ મંત્રાલય સહિત અન્ય ઘણી જવાબદારીઓ હતી. હવે કેબિનેટ રચનામાં તેમને રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા
2012માં તેઓ ગુજરાતના સુરત જિલ્લાની મજુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી. જેના કારણે તેઓ તે કાર્યકાળમાં સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. જે પછી તેઓ ભાજપની ટિકિટ પર આ બેઠક પરથી સતત ધારાસભ્ય બની રહ્યા હતા. વર્ષ 2021માં તેમને ગુજરાત સરકારમાં પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે પછી તેમનો ગ્રાફ સતત વધતો રહ્યો છે.
આ પણ વાંચો – દિવાળી પહેલા ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ, કયા મંત્રી કેટલું ભણેલા?
15 વર્ષની ઉંમરે ભાજપના યુવા મોરચામાં સક્રિય થયા
ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માત્ર 8 પાસ છે. તેમ છતાં પાર્ટી તેમના પર વધારે વિશ્વાસ રાખે છે. હર્ષ સંઘવીના રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો 15 વર્ષની ઉંમરે તેઓ ભાજપના યુવા મોરચામાં સક્રિય થયા હતા. આ જ કારણ હતું કે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુરે સંઘવીને તેમની કારોબારી સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. જૈન સમુદાયમાંથી આવતા સંઘવી વ્યવસાયે હીરાના વેપારી છે. તેમના પિતા રમેશ ભુરાલાલ સંઘવીનું નામ હીરાના મોટા વેપારીઓમાં આવે છે.