ગોપાલ બી કટેસિયા : આમ આદમી પાર્ટી (AAP)ના પડકારની ગંભીરતાને સમજવામાં નિષ્ફળતા, અને ભાજપનો સામનો કરવા માટે એક અસરકારક વ્યૂહરચના ઘડવામાં તથા રાજ્ય સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસની નિષ્ફળતા – આવા કેટલાક કારણો હતા જે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ટાંકવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અંગે મંગળવારે અમદાવાદમાં સમિતિ બેઠકના નેતાઓને કોંગ્રેસ ઉમેદવારો મળ્યા હતા.
ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના લગભગ 30 નેતાઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિને મળ્યા હતા. તેમાં મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નીતિન રાઉત, AICC સચિવ અને બિહારના ધારાસભ્ય શકીલ અહેમદ ખાન અને AICC સચિવ અને ઓડિશાના સાંસદ સપ્તગિરી શંકર ઉલાકાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામો ડિસેમ્બર 2022માં જાહેર થયાં હતાં, કોંગ્રેસે કુલ 182 બેઠકોમાંથી માત્ર 17 બેઠકો જીતી હતી, જે 2017ની ચૂંટણીમાં જીતેલી 77 બેઠકો સામે ઘણો મોટો ઘટાડો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની 54 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી, જ્યારે AAPને પણ ચાર બેઠકો મળી હતી. 2017 માં, કોંગ્રેસે આ વિસ્તારમાંથી 30 બેઠકો જીતી હતી, તો ભાજપને 23 બેઠકો સુધી મર્યાદિત કરવામાં સફળ રહી હતી.
ભાજપના મેઘજી ચાવડા સામે હારી ગયેલા જામનગર જિલ્લાના કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસાડિયાએ કહ્યું: “મેં સમિતિને કહ્યું કે, અમે AAPને હળવાશથી લેવાની ભૂલ કરી છે. પરંપરાગત કોંગ્રેસના મતદારોએ AAPને વધુ સારો વિકલ્પ માન્યો.”આના કારણે અમારું સમર્થન વિભાજિત થયુ. અમારા પક્ષના કાર્યકરો લોકોને એ કહેવા માટે પૂરતા પ્રશિક્ષિત નહોતા કે AAPને મત આપવાથી ભાજપને જ ફાયદો થશે.
મુસાદિયાએ કહ્યું કે, તેમણે સમિતિને એ પણ કહ્યું કે, કોંગ્રેસે એવા નેતાઓને રજૂ કરવાની જરૂર છે જેઓ વૈચારિક અપીલથી આગળ રહી મતદારોને આકર્ષિત કરી શકે.
અમરેલી જિલ્લાની લાઠીની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલા વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપના 27 વર્ષના શાસનની નિષ્ફળતાઓ દર્શાવવામાં નિષ્ફળ રહી છે. પીટીઆઈએ થુમ્મરને ટાંકીને કહ્યું: “EVM એ એક પરિબળ છે… શું તેની સાથે છેડછાડ થઈ શકે તે અલગ બાબત છે. જો કે, લોકો સમજી ગયા છે કે, કોંગ્રેસને વોટ આપ્યા પછી પણ વોટ બીજેપીને ટ્રાન્સફર થાય છે.
દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ કમિટીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોએ સતત લોકોનો અવાજ ઉઠાવ્યો હતો અને બહાદુરીથી પોલીસ અત્યાચારનો પણ સામનો કર્યો હતો અને ચૂંટણીની હાર દર્શાવે છે કે, સામાન્ય રીતે પક્ષની નેતાગીરીએ ચૂંટણીની રણનીતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.
“આપણે ક્યાં નિષ્ફળ જઈ રહ્યા છીએ તેના પર વિચાર કરવો જોઈએ. છેલ્લા 27 વર્ષોમાં આપણી વ્યૂહરચના સફળ રહી નથી અને આ આપણે સ્વીકારવાની જરૂર છે.
ગુજરાતમાં કોંગ્રેસની અત્યાર સુધીની સૌથી ખરાબ હારના કારણોને ઓળખવા અને સુધારાત્મક પગલાંની ભલામણ કરવા માટે ખડગેએ 4 જાન્યુઆરીએ સમિતિની રચના કરી હતી. રાઉતે કહ્યું: “અમે સોમવારે અમારી પ્રથમ રાઉન્ડની મીટિંગ શરૂ કરી હતી અને મંગળવાર પ્રથમ રાઉન્ડનો છેલ્લો દિવસ છે. અમને ઘણી માહિતી મળી છે.”
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં સમિતિએ લગભગ 70 ઉમેદવારો પાસેથી ફીડબેક મેળવ્યો હતો. “તે ત્રણ દિવસ પછી બાકીના ઉમેદવારોને મળશે અને બાદમાં સંગઠનના નેતાઓ સાથે વાતચીત કરશે”.
પેનલને બે અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.
સૌથી ઓછી બેઠકો જીતવા ઉપરાંત, કોંગ્રેસનો રાજ્યમાં તેનો વોટ શેર 27.28% ઘટ્યો હતો.
(ભાષાંતર – કિરણ મહેતા)