ગુજરાત હાર્ડલુક | સાયબર કૌભાંડ : સાયબર ક્રાઇમ વધી રહ્યો – શિક્ષિત, ટેક્નોલોજી માસ્ટર્સ પણ બની રહ્યા શિકાર

ગુજરાતમાં સાયબર ક્રાઈમ અને કૌભાંડના કેસ વધી રહ્યા, અમદાવાદ, સુરત, વડોદરા સહિત શહેરોમાં અનેક કેસ નોંધાયા. શિક્ષિત, અને ટેક્નોલોજી માસ્ટર્સ પણ ભોગ બની રહ્યા.

Written by Kiran Mehta
April 01, 2024 14:14 IST
ગુજરાત હાર્ડલુક | સાયબર કૌભાંડ : સાયબર ક્રાઇમ વધી રહ્યો – શિક્ષિત, ટેક્નોલોજી માસ્ટર્સ પણ બની રહ્યા શિકાર
ગુજરાત સાયબર કેસ - શિક્ષિત પણ બની રહ્યા ભોગ (ફોટો - એક્સપ્રેસ)

સોહિની ઘોષ, આંચલ વાયેડા | Gujarat Cyber Scammed : અમદાવાદ સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયર 22 ડિસેમ્બર, 2023 ના રોજ, તેના વર્ષના અંતની રજાઓની રાહ જોઈ રહી હતી, ત્યારે તેણીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. લાઇનના બીજા છેડે એક મહિલાનો અવાજ હતો, જેણે પોતાની ઓળખ મુંબઈ સાયબર ક્રાઈમ ઈસ્ટ ડિપાર્ટમેન્ટની પોલીસ વુમન તરીકે આપી હતી.

સોફ્ટવેર એન્જિનિયર સાથે સાયબર છેતરપિંડી

“પોલીસે” તેને જાણ કરી કે, તેઓએ એક પાર્સલ જપ્ત કર્યું છે, જે તેના નામે ફેડએક્સ મારફતે મુંબઈથી ઈરાન મોકલવામાં આવી રહ્યું હતું. પાર્સલમાં ડ્રગ્સ, એક્સપાયર થયેલા પાસપોર્ટ અને ઝાંગ લિન નામના ક્રેડિટ કાર્ડ મળ્યા છે, એમ તેણીએ જણાવ્યું હતું.

જ્યારે સોફ્ટવેર એન્જિનિયર મહિલાએ “સાયબર મહિલા પોલીસ” ને જાણ કરી કે તેણીને આવા પાર્સલ વિશે કોઈ જાણકારી નથી, તો તેણીને મોત ધમકી આપવામાં આવી હતી, અને જો તેણી “તેના ઓળખપત્રો ચકાસવામાં અને તેણીની નિર્દોષતા સાબિત કરવામાં સહકાર આપવામાં નિષ્ફળ જશે તો ધરપકડ કરવામાં આવશે. કંઈક ખોટું થઈ શકે છે તેવુ સમજાવી, સોફ્ટવેર એન્જિનિયરને આ કોલ Skype પર ખસેડવાનો આગ્રહ કર્યો.

વિડિયો કૉલ પર, “લેડી પોલીસ ઇન્સ્પેક્ટર” એ ID બતાવ્યું જે અધિકૃત દેખાતું હતું, જોકે સોફ્ટવેર એન્જિનિયર કહે છે કે, તે “અધિકારી” નું નામ યાદ નથી આવી રહ્યું. તેમ છતાં, એન્જિનિયરે “સાયબર મહિલા પોલીસ” સાથે ઑનલાઇન વાતચીત કરી, પરંતુ પોતાનો ચહેરો જાહેર કર્યા વિના.

ફોન કરનારે આગ્રહ કર્યો કે, તેણે તેની વિગતો “સત્યાપીત” કરે. ટૂંક સમયમાં, 30 વર્ષીય મહિલાએ પોતાના આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો સહિતની વ્યક્તિગત માહિતી શેર કરી. કોલ કર્યા બાદ તેને એક પર્સનલ લોન આપવામાં આવી અને તેના ICICI બેંક ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. અને તે આ બધુ સમજે તે પહેલા જ તેના ખાતામાંથી લોનની રકમમાંથી રૂ. 19.94 લાખ ચોક્કસ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું કહેવું છે કે, તેણે “ડરથી” OTP શેર કર્યો હતો.

તેની ફરિયાદના આધારે, 8 ફેબ્રુઆરીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. “વેરિફિકેશનની આડમાં, ફરિયાદીને આધાર કાર્ડની વિગતો અને બેંક ખાતાની માહિતી સહિતની અંગત માહિતી પૂરી પાડવા માટે છેતરવામાં અને ધમકાવવામાં આવી હતી.” FIRમાં જણાવાયું હતું.

એક માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી. પરંતુ આ કેસની તપાસ કરી રહેલા અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગના ઈન્સ્પેક્ટર કૃણાલ નાથાભાઈ ભુકરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેણે આરોપીનું વિદેશમાં લોકેશન ટ્રેસ કર્યું છે.

MICA ચેરમેન શૈલેન્દ્ર મહેતા સાથે સાયબર ક્રાઈમ

ગયા અઠવાડિયે, MICA ના ચેરમેન અને ડિરેક્ટર શૈલેન્દ્ર રાજ મહેતા પાસેથી રૂ. 1.15 કરોડની ઉચાપત કરવા માટે આવી જ એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુનેગારોએ પોતાની ઓળખ મુંબઈ સાયબર સેલ અને સીબીઆઈના ઓફિસર તરીકે આપી હતી.

મહેતાની ફરિયાદ મુજબ, તેમને 20 માર્ચે બપોરે FedEx તરફથી ‘જેસન’ તરીકે ઓળખાવનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. મહેતાના આધાર નંબર અને પૂરા નામની પુષ્ટિ કર્યા પછી, જેસને તેમને જાણ કરી કે તેમના નામે એક પેકેજ મુંબઈથી તાઈવાન મોકલવામાં આવી રહ્યું છે. ફોન કરનારે માહિતી આપી હતી કે, ઉપરોક્ત પેકેજ મુંબઈ કસ્ટમ્સ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું અને તેમાં પાંચ પાસપોર્ટ, ત્રણ મોબાઈલ ફોન, એક લેપટોપ, 5 કિલો કપડા અને 200 ગ્રામ MDMA ડ્રગ હોવાનું જણાયું છે.

વધુ વેરિફિકેશન માટે, કોલ કથિત રીતે મુંબઈ સાયબર સેલ સાથે લિંક કરવામાં આવ્યો હતો. પોતાનું નામ ‘પ્રકાશ’ તરીકે બકાવી એક કથિત અધિકારીએ મહેતાને પૂછ્યું કે, શું તે કોઈ ‘નવાબ મલિક’ નામના વ્યક્તિને ઓળખે છે, જેણે મહેતા (તમારા) સહિત અગ્રણી વ્યક્તિઓના નામે 300 થી 400 છેતરપિંડી ખાતા ખોલ્યા છે.

‘ઓફિસર પ્રકાશ’એ કથિત રીતે મહેતાને જણાવ્યું હતું કે, તેમના નામે ગોવા, મુંબઈ અને હૈદરાબાદમાં 2-3 ખાતા ખોલવામાં આવ્યા છે. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ બાબતે અન્ય કોઈની સાથે ચર્ચા કરી શકાતી નથી અને તેમને સ્કાયપી પર વાતચીત કરવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તેનો ફોન “ઇન્ટરસેપ્શન માટે બગ” હોઈ શકે છે.

સ્કાયપે પર કનેક્ટ થવા પર, મહેતાને સીબીઆઈના લોગો સાથેનો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં કેસની તપાસમાં તેમની મદદની માંગ કરવામાં આવી હતી. બીજા દિવસે, મહેતાને મુંબઈ સાયબર સેલમાંથી પોતાને ‘બલસિંહ રાજપૂત’ તરીકે ઓળખાવતા અન્ય કથિત અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેમના સાથીદાર જ્યોર્જ મેથ્યુ વોરંટ જાહેર થયા પછી MICA ચેરમેનનો સંપર્ક કરશે.

એક કલાક પછી, મહેતાને સ્કાયપ દ્વારા જાણ કરવામાં આવી કે, સીબીઆઈ દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પછી ટૂંક સમયમાં, કથિત વોરંટ, નામ અને સીબીઆઈના લોગો સાથે, તેમને સ્કાયપે પર તે મોકલવામાં આવ્યું.

મેથ્યુએ મહેતાને કહ્યું કે, ઘણા વ્યવહારો, જે કદાચ તેમને દેખાતા ન હોય, તેમના ICICI એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા છે અને તે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સર્વર પર દૃશ્યમાન છે.

મેથ્યુએ એ પણ ખુલાસો કર્યો હતો કે, મહેતાએ બે PNB એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે – એક ક્વોલિટી ફ્રૂટ ટ્રેડર્સના અને બીજા શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના – જેનો ઉપયોગ કથિત રીતે મની લોન્ડરિંગ માટે થતો હતો. તેમણે દલીલ કરી હતી કે, એકવાર ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી, કથિત એજન્સીના અધિકારીઓને અગાઉના વ્યવહારો જોવા માટે આરબીઆઈના સર્વર્સની ઍક્સેસ મળશે.

મહેતાને ખાતરી આપવામાં આવી હતી કે PNB ખાતામાં ટ્રાન્સફર કરાયેલા નાણાં 15-20 મિનિટમાં તેમના ખાતામાં પાછા જમા થઈ જશે. કોલર્સ પર વિશ્વાસ રાખીને, મહેતાએ એક એકાઉન્ટમાં રૂ. 1 કરોડ અને બીજા એકાઉન્ટમાં રૂ. 15.11 લાખથી વધુ ટ્રાન્સફર કર્યા હતા. મહેતાએ પૈસા ટ્રાન્સફર કર્યાના અડધા કલાક પછી પણ, “વાયદા મુજબ” રકમ તેમના ખાતામાં પાછી જમા થઈ ન હતી.

તેમણે PNB બેન્ક નો સંપર્ક કર્યો, તો તેમને જાણ કરવામાં આવી કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે.

પ્રોફેસર મહેતાએ જણાવ્યું હતું કે, તેઓ “સુયોજિત સાયબર ક્રાઈમ ઘટના”નો ભોગ બન્યા હતા. 22 માર્ચે, તેમણે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે IPC કલમ 406, 419 (ઢોંગ દ્વારા છેતરપિંડી), 420 (છેતરપિંડી), 465, 467 (બનાવટ), 468 (છેતરપિંડી), 471 (બનાવટી દસ્તાવેજ), 120B (ગુનાહિત કાવતરું) અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ કલમ 66(d) (સંચાર ઉપકરણ અથવા કમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરીને ઢોંગ કરીને છેતરપિંડી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

તપાસ અધિકારી પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, કેસની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી નથી. જો કે, તેમણે જાહેર કર્યું કે, આવા ખાતાઓની સંખ્યાનો ઉલ્લેખ કર્યા વિના “કેટલાક બેંક ખાતાઓ” ફ્રીઝ કરવામાં આવ્યા છે. મકવાણાએ જણાવ્યું હતું કે, “નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદ નોંધાવવા પર, બેંકને જાણ કરવામાં આવે છે, જેથી એકાઉન્ટ્સ (જ્યાં નાણાં જમા કરવામાં આવે છે) બ્લોક કરી દેવામાં આવે છે, જેથી નાણાં વધુ ટ્રાન્સફર ન થાય.” “

ઈન્સ્પેક્ટરે કહ્યું કે, ફોન કરનારાઓએ એવું દેખાડ્યું કે મહેતા તેમજ તેમના પરિવારના સભ્યોના જીવ જોખમમાં છે, આમ, તેમને ગુનેગારોએ પૈસા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસે FedEx નો સંપર્ક કર્યો નથી કારણ કે, કંપની અહીં કંઈ કરી શકે તેમ નથી. “કોઈપણ વ્યક્તિ ચોક્કસ કંપનીમાંથી હોવાનો દાવો તો કરી શકે છે, આવા કિસ્સાઓમાં કંપની કંઈ કરી શકતી નથી.” તેમણે કહ્યું, હાલમાં પોલીસે વધુ માહિતી મેળવવા માટે સ્કાઈપનો સંપર્ક કર્યો છે.

પીડિતોને ‘જાણકારી’ આપવામાં આવી

જ્યારે ગુજરાતમાં સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે, ત્યારે મહત્વનું એ છે કે, પીડિતોની પ્રોફાઇલમાં ધરખમ ફેરફાર છે, જેમાંથી ઘણા લોકો શિક્ષિત છે અને ઓનલાઈન દુનિયા અને ફ્રોડથી થતા જોખમોથી વાકેફ પણ છે.

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ સાયબર ક્રાઈમના 35 કેસ નોંધાયા

એકલા ફેબ્રુઆરીમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમના 35 કેસ નોંધ્યા – અમદાવાદમાં 11, અમરેલી, આણંદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ભુજમાં એક-એક, બનાસકાંઠા અને વડોદરામાં બે-બે, ભરૂચ, ગાંધીનગર અને જામનગરમાં- ત્રણ-ત્રણ, તો સુરતમાં પાંચ.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે સોશિયલ એન્જિનિયરિંગ, ડર, લોભ, અને તકનીકો વગેરે જેવી વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. કેટલાક સાયબર ગુનાના કેસોમાં, પીડિતોને વધુ પડતો વિશ્વાસ હોય છે કે, તેઓ માને છે કે તેઓ ટેક-માસ્ટર છે.”

બેન્ક લોન મેનેજર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા

પીડિતોમાં અમદાવાદના 54 વર્ષીય બેંક લોન મેનેજરનો પણ સમાવેશ થાય છે.

13 નવેમ્બર, 2023 ની મધ્યરાત્રિએ, મેનેજરને અજાણ્યા ટેલિગ્રામ એકાઉન્ટ દ્વારા ફ્લાઇટ બુકિંગ પ્લેટફોર્મ eSky ના બનાવટી એકાઉન્ટ પર ઘરેથી કામ કરવાની તક વિશે અવાંછિત મેસેજ પ્રાપ્ત થયા, જ્યાં ફરિયાદીને પાર્ટ ટાઇમ નોકરી માટે પૈસાનું રોકાણ કરવા અને તેમ કરવાનું કહેવામાં આવ્યું.

ફરિયાદીએ 25 ડિસેમ્બર, 2023 અને 1 જાન્યુઆરી, 2024 વચ્ચેના વ્યવહારો માટે દરરોજ ત્રણ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેણે રૂ. 10,500, રૂ. 20,668, રૂ. 51,452, રૂ. 1.71 લાખ, રૂ. 3.50 લાખ, રૂ. 5 લાખ, રૂ. 1 લાખની રોકડ જમા કરાવી હતી. અને SBI, ICICI, HDFC અને પંજાબ નેશનલ બેંક સહિત વિવિધ બેંકોમાં બે UPI ID પર રૂ. 4.20 લાખ.

લોન વિભાગના મેનેજરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “આરોપીઓએ (કેનેડિયન) ઈ-કોમર્સ ફર્મ Mdf ની નકલી વેબસાઈટ બનાવી હતી. તે એક અધિકૃત વેબસાઇટ જેવી દેખાતી હતી.” જોકે, રોકાણ કરેલી રકમ પરત ન આવતાં તેણે છેતરપિંડીની આશંકા વ્યક્ત કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 7 ફેબ્રુઆરીએ આઈપીસીની કલમ 406, 420 અને 120 (બી) તેમજ આઈટી એક્ટની કલમ 66 (સી) અને 66 (ડી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆર જણાવે છે કે, “મેં (કુલ) રૂ. 16.34 લાખ જમા કરાવ્યા, પરંતુ લિંક અને બેંક એકાઉન્ટ દ્વારા વચન આપેલ કમિશન મળ્યું ન હતુ.” પીડિતાએ તેની પુત્રીના લગ્ન થવાના હોવાથી છેતરપિંડી અંગે તેના પરિવારને પણ જાણ કરી ન હતી.

એક ડોક્ટર પરિવાર સાયબર ક્રાઈમના પીડિત

અમદાવાદના અન્ય એક કેસમાં, ડૉ. દેવાંગ પ્રહલાદભાઈ ઠક્કર (55) એ 19 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, યુએસ સ્થિત સ્કાયરીમ કેપિટલ, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક કંપની એન્જલ બ્રોકિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ CGLની આડમાં છેતરપિંડી યોજના ચલાવવામાં આવી રહી હતી. આરોપીએ તેના પુત્ર કલ્પ ઠક્કર અને પુત્રવધૂ શીતલને શેરબજારમાં રોકાણ અને નોંધપાત્ર IPO નફાના ખોટા વચનો સાથે ડીમેટ ખાતા ખોલાવવાની લાલચ આપી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે, પરિવારે રૂ. 1.09 કરોડ ટ્રાન્સફર કર્યા પરંતુ એન્જલ બ્રોકિંગ પ્લેટફોર્મ પરથી માત્ર રૂ. 15 લાખ જ મળ્યા.

જ્યારે ડો. ઠક્કરે આ કેસ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો, તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર બાબુભાઇ મનસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, “અમે સક્રિયપણે સ્ત્રોતો પાસેથી માહિતી એકઠી કરી રહ્યા છીએ, બેંક લાભાર્થીઓને ઓળખી રહ્યા છીએ અને વિવિધ સ્થળો શોધી રહ્યા છીએ” આરોપી, જે હજુ સુધી પકડાયા નથી, તેમની સામે IPCની કલમ 120 (B), 406 અને 420 તેમજ IT એક્ટની કલમ 66 (C) અને 66 (D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એપ સ્ટોર્સ માં ખતરો મંડરાઈ રહ્યો છે

બેંક લોન મેનેજર કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર કેતન ભુવાએ કહ્યું કે, Skyrim Capital, Angel Broking, CGL-BMG, GMbet247.com, Dragon, Tiger Poker, 20-20 Poker અને 7 જેવી TaskBuddy એપ્લિકેશનનો ઉપયોગ કરવા પર ચેતવણી આપે છે. ભુવાએ વધુમાં કહ્યું કે “ચાલુ તપાસમાં આવી વેબસાઈટના ઓપરેટિંગ સ્થાન, ડેટા વિશ્લેષણ અને શંકાસ્પદ ઓળખનો સમાવેશ થાય છે. જોકે, આરોપીઓ પકડની બહાર છે. અમને કેટલીક માહિતી મળી છે, જેની અમે ચકાસણી કરી રહ્યા છીએ.

ભુવા કહે છે કે, ટાસ્કબડીનો કિસ્સો સાવ સામાન્ય છે. “TaskBuddy એ ઑનલાઇન રોકાણ છેતરપિંડીનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. સ્કાયરીમ કેપિટલ અને એન્જલ બ્રોકિંગ જેવી આ એપ્સ અધિકૃત રોકાણ એપ્લિકેશન્સ જેવી લાગે છે, જે રોકાણકારોને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે કહે છે, જેના દ્વારા રોકાણકારો તેમના બેંકિંગ અને આધાર કાર્ડની વિગતો પ્રદાન કરે છે અને OTP શેર કરે છે જે સાયબર ગુનેગારોને સીધુ ઍક્સેસ પ્રદાન કરે છે. મુખ્ય સમસ્યા એ છે કે, પીડિત અને ગુનેગાર એક જ એપ્લીકેશનમાં છે. તેથી, ગુનેગારને ઓળખવા સરળ નથી કારણ કે, કેટલીકવાર ગુનેગારો વધુ પૈસા મેળવવા માટે પોતાને પીડિત તરીકે ઉભા થઈ શકે છે. તેથી, વધુ પડતી માહિતીની ચકાસણી ચાલી રહી છે.”

ઠક્કરના કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘણીવાર ગુનેગારો આવી છેતરપિંડીઓમાં ફસાઈ ગયેલા પીડિતોના ડર પર કામ કરે છે. “ડૉ. ઠક્કર જેવા પીડિતોને શરમ, અપરાધબોધ અને શરમનો અનુભવ થાય છે કારણ કે, તેઓ તેમના સમુદાયના અન્ય લોકોને દરેક બાબતમાં સાચા અને ખોટા વિશે ઉપદેશ આપતા હોય છે. પીડિતોને તેમની સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર હોય છે. તેઓ સમાજમાં ઉપહાસ બનવા માંગતા નથી.”

આ પણ વાંચો – રાજસ્થાન પ્રવાસન સ્થળ : ગુજરાતીઓ માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ આ ટોપ 10 સ્થળો

સાયબર અપરાધીઓ સોશિયલ એન્જિનિયરિંગના નિષ્ણાત હોય છે – પીડિતોની જાણકારીમાં હેરાફેરી કરી માહિતી લે છે. ઈન્સ્પેક્ટર ભુકરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આરોપી સોફ્ટવેર એન્જિનિયરના ડરનો ફાયદો ઉઠાવીને તેના નિર્ણયને બગાડવામાં માહેર હતો, એટલે કે શક્ય તેટલી ઝડપથી તેનું નામ ગુનામાંથી કાઢી નાખવામાં.”

(આંચલ વાયેડા ઈન્ડિયન એક્સપ્રેસમાં ઈન્ટરન છે)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ