ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ભયંકર હદ સુધી વધી ગયું છે. ગાંધીનગરમાં શુક્રવારે કોસ્ટલ પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષમાં જેટલો ગેરકાયદેસર દારૂ પકડાયો છે તેના કરતા વધારે એક વર્ષમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.
તેમણે આનો શ્રેય બે વર્ષ પહેલા મરીન પોલીસને ગેરકાયદે ઓફશોર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સશક્ત બનાવવા માટે સુધારેલા ફિશરીઝ એક્ટને આપ્યો હતો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ખાતે ગુજરાતમાં કોસ્ટલ સિક્યોરિટીઝ વિશે જણાવતા જાજડિયાએ કહ્યું કે, “પ્રથમ વખત, અમારી પોલીસ કિનારા છોડીને પાણીમાં પ્રવેશી છે. એટીએસ અને અન્ય એજન્સીઓ દ્વારા કેટલા જથ્થામાં ડ્રગ્સ પકડવામાં આવે છે તે તમે બધા જાણો છો. જેટલો ગેરકાયદેસરનો દારૂ આપણે ત્યાં 50 વર્ષમાં પકડ્યો નથી તેટલો ડ્રગ્સન જથ્થો ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ એક વર્ષમાં જપ્ત કર્યો છે અને તે એક સિદ્ધિ છે.”
એક સત્તાવાર રિલિઝ મુજબ, આ કાર્યક્રમનો ઉદ્દેશ કોસ્ટલ મરીન પોલીસ સર્વિસની કામગીરીની બાબતો, ઇન્ટર-એજન્સી કોર્ડિનેશન, ક્ષમતા નિર્માણની પહેલ, નાણાકીય અવરોધો, માળખાકીય મર્યાદાઓ અને વ્યવહારુ ઉકેલો અંગે ચર્ચા કરવાનો હતો.
બેટ દ્વારકાના ટાપુઓ અને ગેરકાયદે બાંધકામો સામે હાથ ધરવામાં આવેલી ડિમોલિશન ઝુંબેશનું નામ લીધા વિના, તેમણે ગુજરાતના દરિયાકાંઠે આવેલા 20 નિર્જન ટાપુઓ પર ત્રિરંગો ફરકાવવાના નિર્દેશો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી. “તમે બધા જાણો છો, દરિયાકાંઠે અનધિકૃત બાંધકામ થઈ રહ્યું હતું… દાયકાઓમાં કંઈ થયું નથી… સ્વતંત્રતા પછી પ્રથમ વખત, 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ, દરિયાઈ પોલીસે BSF અને કોસ્ટ ગાર્ડ સાથે મળીને 20 નિર્જન ટાપુઓ પર ધ્વજ ફરકાવ્યો. વડાપ્રધાને અમને આમ કરવા માટે સૂચના આપી હતી,” એવું તેમણે ઉમેર્યું હતુ.
જાજડિયાએ દરિયાકાંઠાની સુરક્ષા વિશે બંદરના સંચાલકોમાં જાગૃતિ ફેલાવવા માટે આરઆરયુની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. “જ્યારે મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ખતરાથી વાકેફ છે, ત્યારે અન્ય હિસ્સેદારો-ભાગીદારો , ખાસ કરીને પોર્ટના વપરાશકર્તાઓ અને બંદર સંચાલકો દરિયાકાંઠાની સુરક્ષાના મહત્વ વિશે જાણતા નથી. તેઓનું એવું માનવું છે કે, આ બંદરો માત્ર તેમને વેપારની સુવિધા આપવા માટે છે, તેઓ રાષ્ટ્રની સુરક્ષા સામેના જોખમોથી બિલકુલ વાકેફ નથી.”
જાજડિયાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં 2006માં સ્થપાયેલ મરીન કોસ્ટલ સિક્યોરિટી ફોર્સ, “દેશનું પ્રથમ મરીન ટાસ્ક ફોર્સ” હતું. કિનારા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે તેને સત્તા આપવામાં આવ્યા પછી દર વર્ષે લગભગ 50 વ્યક્તિઓ સામે નિમય ઉલ્લંઘન બદલ કેસ કરવામાં આવે છે.