ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર-પ્રસાર શરૂ થઇ ગયો છે. આજે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ તોહમતનામું જાહેર કર્યુ છે. ગુજરાત કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ વિરુદ્ધ તોહમતનામું જાહેર કરતા કહ્યું કે, ભાજપના કુશાસનકાળમાં રાજ્યનો વિકાસ રુંધાયો છે, પ્રજાની સુખકારી ઘટી છે, ઉદ્યોગ-ધંધાનો વિકાસ અટક્યો છે અને રાજ્યનું દેવું 4 લાખ કરોડ રૂપિયાને વટાવી જતા ગુજરાત દેવાદાર બન્યુ હોવાનો આક્ષેપ કરાયો છે.
ભાજપની સિંગલ એન્જિન સરકાર નિષ્ફળ ગઇ એટલે ડબલ એન્જિન લાવ્યા
કોંગ્રેસ નેતા ભરતસિંહે સોલંકીએ કહ્યુ કે, ગુજરાતમાં ભાજપની સિંગલ એન્જિન સરકાર એટલે કે રૂપાણી સરકાર નિષ્ફળ ગઇ છે અને એટલે ડબલ એન્જિનની સરકાર (ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ) આવી છે. ભાજપ સરકાર ગુજરાતની પ્રજા, ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ – રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ છે.
ગુજરાતનું દેવુ 4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ
ગુજરાત ઉદ્યોગ-વેપારધંધાના મામેલ ઘણું જ વિકસીત રાજ્ય છે અને તેમાં કોંગ્રેસની સરકારનું મોટું યોગદાન છે એવું જણાવતા ભરત સિંહ સોલંકીએ કહ્યુ કે, ભાજપના 27 વર્ષના શાસનકાળમાં ગુજરાત દેવાદાર બન્યુ છે. માર્ચ 2022ના અંતે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે.
કોંગ્રેસના શાસનમાં 18થી 23 ટકા જેટલો ઉંચો વિકાસ
હાલ 7-8 ટકાના વિકાસદરને બહુ મોટી ઉપલબ્ધી ગણાય છે ત્યારે કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતે બહુ ઉંચા દરે વિકાસ કર્યો છે. કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતનો જીડીપી 18 ટકાથી 23 ટકાની વચ્ચે રહેતો હતો. માથાદીઠ આવકના મામલે પણ ગુજરાત અગ્રેસર હતુ. આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ વધી, ઉદ્યોગ- વેપારધંધાનો વિકાસ થયો, મોટી સંખ્યામાં જીઆઇડીસી અને એમએસએમઇ સ્થપાયા હતા. જાપાનની સાથે બરોબરી કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ થિંક ટેન્ક શરૂ કરીઇ હતી અને ગાંધીનગરમાં પહેલો પોલ્યુશન ફ્રી સૌથી પહેલો ઇેલેક્ટ્રોનિક ઝોન પણ શરૂ કરાયો હતો.
‘ન્યુ નોર્મલ થિયરી’નો ઉપયોગ કરી રહી છે ભાજપ
ભાજપ રાજકારણમાં જીતવા માટે ‘ન્યુ નોર્મલ થિયરી’નો ઉપયોગ કરી રહી છે. સાયકોલોજીમાં ‘ન્યુ નોર્મલ થિયરી’ એટલે વાતોને બહુ પ્રચાર- પ્રસાર સાથે આકર્ષિત રીતે વારંવાર રજૂ કરવી જેથી લોકોને તે સાચી લાગવા લાગે. ભાજપ પણ આ જ ‘ન્યુ નોર્મલ થિયરી’નો રાજકારણમાં ઉપયોગ કરી રહી છે. પોતાની કામગીરીની મોટી મોટી જાહેરાતો અને વિપક્ષ વિરુદ્ધ ખોટી માહિતીનો જોરશોરથી પ્રચાર કરી રહી છે, તેની પાછળમાટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
સરકાર ભણાવતી નથી ને નોકરી પણ આપતી નથી
ભાજપના રાજમાં શિક્ષણ અતિશય મોંઘુ થયુ છે અને સરકારી નોકરીઓ મળવી મુશ્કેલ બની ગઇ છે એવું જણાવતા કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ કહ્યુ કે, ભાજપ સરકાર ભણાવતી નથી ને નોકરી પણ આપતી નથી. શિક્ષણ, આરોગ્યનું ખાનગી કરણ થયુ છે.
મૂડીપતીઓને લહાણી, સામાન્ય પ્રજા પર કમરતોડ ટેક્સ
કોંગ્રેસ નેતા ભરતસિંહે સોલંકીએ ભાજપ પર પ્રકાર કરતા કહ્યુ કે, ભાજપની સરકાર અંગ્રેજો કરતા પણ હોશિયાર છે. મૂડીપતિને કરોડો રૂપિયાની લોન અને કરવેરામાં છુટછાટ આપતી ભાજપ સરકાર સામાન્ય લોકો પર કમરતોડ પર ટેક્સ લાગી રહી છે. દૂધ-દહી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર કમરતોડ ટેક્સ લાદીને જીવવું મુશ્કેલ બનાવી દીધુ છે. ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ પણ અટક્યો છે.





