ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે મંગળવારે ભાજપમાં જોડાયા છે. તેઓ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
કામિની બાના કોંગ્રેસ પર ગંભીર આરોપ
કોંગ્રેસના દહેગામ પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ મંગળવારે ગાંધીનગરમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ કામિનીબા રાઠોડે કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પૈસા લઈને ટિકિટ આપે છે. કામિનીબાએ જણાવ્યું હતું કે, જ્યારે કોંગ્રેસમાં પૈસાની લેવડદેવડના આધારે ટિકિટોની વહેંચણી કરવામાં આવી હતી, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું આ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈશ

.ટિકિટ સામે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ
કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ જગદીશ ઠાકોરને લખેલા પત્રમાં કામિનીબાએ જણાવ્યુ કે, તેઓ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે છે.

કામીનીબા રાઠોડએ પોતાના જ પક્ષ કોંગ્રેસ પર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટી તરફથી પૈસા માંગવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દહેગામના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે તેમને ગુજરાત ચૂંટણી માટે ટિકિટના બદલામાં 1 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. કામિની બાએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં દહેગામ બેઠક પરથી 2297 મતોના ઓછા માર્જિનથી જીત મેળવી હતી પરંતુ 2017ની ચૂંટણીમાં ભાજપના બલરાજસિંહ ચૌહાણ દ્વારા તેમનો પરાજય થયો હતો.
હિમાંશુ વ્યાસ પણ ભાજપમાં જોડાયા
ઉલ્લેખનિય છે કે, કામિનીબા રાઠોડ 2012 થી 2017 સુધી દહેગામ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસ પાર્ટીના સેક્રેટરી પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવું મુશ્કેલ છે.

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. ભાજપે ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ લોકપ્રીય નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી છે, તો બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રામાંથી થોડોક વિરામ લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. તો બીજુ બાજુ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની વિધાનસભામાં પોતાનું ખાતું ખોલવા માટે જોરદાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો પર મતદાન થશે. તો બીજા તબક્કામાં તરફ 5 ડિસેમ્બરના રોજ 93 બેઠકો પર મતદાન થશે. આ મતદાનના પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.