ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બે તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે અને 5મી ડિસેમ્બર 2022ના રોજ પરિણામો જાહેર થવાની રાહ જોવાઇ રહી છે. પ્રથમ અને બીજા તબક્કા સાથે આ વખતે વિધાનસભામાં લગભગ 64.26 ટકા મતદાન થયુ છે, જે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના 68.39 ટકાની તુલનાએ 3 ટકા ઓછું વોટિંગ દર્શાવે છે.
બીજ તબક્કામાં મતદાન વધારે ઘટ્યું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ હતી જેમાં પ્રથમ તબક્કાની તુલનાએ બીજા તબક્કામાં મતદાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2017ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 68 ટકાની તુલનાએ વર્ષ 2022માં 63.31 ટકા મતદાન થયુ છે. તેવી જ રીતે બીજા તબક્કામાં મતદાન 71 ટકાથી ઘટીને 65.30 ટકા થયુ છે.
પૂર્વ CM રૂપાણીના મતવિસ્તારમાં વોટિંગ ઘટ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર – કચ્છ મતવિસ્તારોમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે જેનું પરિણામ વિજય રૂપાણીનું મુખ્યમંત્રીના પદેથી રાજીનામું અને રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર છે. નોંધનિય છે કે, લગભગ એક વર્ષ પહેલા વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું આપ્યુ હતુ અને તેમના સ્થાને અમદાવાદના ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા.

જો રાજકોટની વાત કરીયે તો વિજય રૂપાણી જે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે છે તે રાજકોટ પશ્ચિમની બેઠક પર સૌથી ઓછુ 57.12 મતદાન થયુ છે, જે રાજકોટ જિલ્લાના કુલ સરેરાશ 60.63 ટકા અને રાજ્યના કુલ સરેરાશ 64.26 ટકા કરતા ઓછું છે. તમને જણાવી દઇયે તે આ વખતની ચૂંટણીમાં ભાજપે ‘નો-રિપિટ’ અપનાવતા વિજય રૂપાણીને ટિકિટ આપી ન હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બહુ ઓછુ મતદાન થતા ચૂંટણીપંચે બીજા તબક્કાના મતદાન પહેલા મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી, જો કે ચૂંટણીપંચની અપીલની કોઇ ખાસ અસર થઇ હોય તેવું લાગતું નથી.
કેશોદ બેઠક પર મતદાન વધ્યું
જૂનાગઢ જિલ્લાની કેશોદ વિધાનસભા મતવિસ્તાર જેનું પ્રતિનિધિત્વ હાલ મંત્રી કરી રહ્યા છે, તે સૌરાષ્ટ્રના એવા કેટલાંક અપવાદરૂપ બેઠકો પૈકીની છે જ્યાં વર્ષ 2017ની ચૂંટણીની સરખામણીએ વધારે મતદાન થયું હતું. કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર હાલની ચૂંટણીમાં 62.05 ટકા મતદાન નોંધાયું હતું, જે વર્ષ 2017માં 61.95 ટકા જ મતદાન થયુ છે. જૂનાગઢ જિલ્લાનું કુલ સરેરાશ મતદાન 59.54 ટકા થયુ છે.
સૌરાષ્ટ્ર- કાઠિયાવાડ પંથકના એવા વિધાનસભા મતવિસ્તારો કે જેમાં વધારે મતદાન જોવા મળ્યું તેમાં ભાવનગરના ગારિયાધારનો પણ સમાવેશ થાય છે, જેનું પ્રતિનિધિત્વ ભાજપના કેશુ નાકરાણી કરી રહ્યા છે. ગારિયાધારમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 60.83 ટકા વોટિંગ થયુ છે જે સમગ્ર ભાવનગર જિલ્લાના કુલ સરેરાશ 60.83ની સમકક્ષ છે અને વર્ષ 2017ની તુલનાએ તુલનાએ 5.17 ટકા વધારે મતદાન દર્શાવે છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બેઠક જ્યાંથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા છે અને જે બેઠક વર્ષ 2017માં કોંગ્રેસે જીતી હતી ત્યારે આ વખતે 62.34 ટકા મતદાન થયુ છે જે વર્ષ 2017ની તુલનાએ 2.01 ટકા વધારે વોટિંગ દર્શાવે છે, તો દ્વારકા બેઠક પર મતદાન અગાઉની તુલનાએ 1.78 ટકા વધીને 61.06 ટકા થયુ છે. આમ આ વખતે દ્વારકા જિલ્લામાં કુલ સરેરાશ 61.71 ટકા મતદાન થયુ છે.
2017માં સૌરાષ્ટ-કચ્છમાં કોને કેટલી બેઠક મળી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીયે તો ત્યારે કોંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી 30 બેઠકો પર જીત હાસંલ કરી હતી, જ્યારે ભાજપે જીતેલી બેઠકોની સંખ્યા વર્ષ 2012ની 35 બેઠક થી ઘટીને વર્ષ 2017માં 23 બેઠક થઈ ગઈ હતી.
પૂર્વ રૂપાણીના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9 નેતાઓ હતા:
લગભગ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો હતો. વિજયરૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ અને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મંત્રમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છના 9 નેતાઓ હતા. જેમાં કુંવરજી બાવળિયા (જસદણ), જયેશ રાદડિયા (જેતપુર), આરસી ફાલ્દુ (જામનગર દક્ષિણ), જવાહર ચાવડા (જૂનાગઢ), સૌરભ પટેલ (બોટાદ) અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા (જામનગર ઉત્તર), વિભાવરી દવે (ભાવનગર પૂર્વ), પરૂષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને વાસણ આહિર (અંજાર).
રૂપાણીના મંત્રીમંડળીના 4 નેતાને ટિકિટ અપાઇ
વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ સૌરાષ્ટ્ર-કચ્છના નવ નેતામાંથી માત્ર બાવળિયા, સોલંકી, રાદડિયા અને ચાવડાને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. બાવળિયા, ચાવડા અને જાડેજાએ 2017 બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે વિધાનસભા બેઠકો પર મતદાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે તે તમામ રાજકોટ જિલ્લાની ત્રણ બેઠકો છે. તેમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પર મતદાનમાં સૌથી વધુ 11.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓબીસી કોળીઓનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર સામાન્ય રીતે ઉંચુ મતદાન થાય છે. પાછલી ચૂંટણીમાં વખત વિજેતા બનેલા કુંવરજી બાવળિયા કોંગ્રેસના ઉમેદવાર હતા જે પાછળથી ભાજપમાં જોડાયા હતા. તો મતદાનમાં સૌથી વધુ ઘટાડો દર્શાવનાર બેઠકોમાં રાજકોટ પશ્ચિમની બેઠક પર વર્ષ 2017ની તુલનાએ 11.42 ટકા ઓછું મતદાન થયુ છે, આ બેઠક વર્ષ 1985થી ભાજપનો ગઢ ગણાય છે, આવી જ અન્ય સીટ જેતપુરમાં મતદાનમાં 7.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા ક્રમે મતદાનમાં સૌથી વધુ ઘટાડો દર્શાવનાર બેઠકમાં જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ છે જ્યાં અનુક્રમે 7.68 ટકા અને 7.28 ટકા ઓછું વોટિંગ થયુ છે.
મોરબીમાં ઓછું મતદાન - કેબલ બ્રિજ હોનારતની અસર
તાજેતરમાં જ્યાં કેલબ બ્રિજ તૂટવાની કરુણાંતિક ઘટનામાં 130થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે તેવા મોરબી મતવિસ્તારમાં કુલ 67.16 ટકા મતદાન નોંધાયું છે, જે 2017 કરતા 5.58% ઓછું છે, જે મોરબી જિલ્લાની અન્ય ત્રણ વિધાનસભા બેઠકોની સરખામણીએ મતદાનમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચોઃ મોરબી, ભાજપના બળવાખોરો અને આપના ઉમેદવારો છે એવી HOT સીટો પર કેવું થયું મતદાન, જાણો એક ક્લિકમાં
અહીંયા સુધી આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ફરી ટિકિટ મેળવનાર ત્રણ મંત્રીઓ – જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) અને કિરીટસિંહ રાણા (લીંબડી)ના મતવિસ્તારોમાં પણ મતદાન ઘટ્યું હતું. એક માત્ર ફરી ચૂંટણી લડનાર કેશોદ બેઠકના દેવ માલમના મતવિસ્તારમાં મતદાન વધ્યુ છે.